Rajkot News: રાજકોટ શહેરમાં વધુ એક યુવાને ચોરીનું તર્કટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનના ધંધા સાથે સંકળાયેલા અમિત રાઠોડે દેણુ ઉતારવા 36 કિલો ચાંદીની ચોરી થઈ હોવાની સ્ટોરી ઘડી કાઢી હતી. પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક યુવાને ચોરીનું તર્કટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનના ધંધા સાથે સંકળાયેલા અમિત રાઠોડે દેણુ ઉતારવા 36 કિલો ચાંદીની ચોરી થઈ હોવાની સ્ટોરી ઘડી કાઢી હતી. જોકે પોલીસ તપાસમાં ચોરીની ખોટી સ્ટોરી અમિત રાઠોડ દ્વારા ઊભી કરવામાં આવી હોવાનું પણ પર્દાફાશ થયો છે.
ચોરીના ખોટા કેસનો થયો પર્દાફાશ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના ચુનારાવાડ શેરી નંબર એકમાં રહેતા અને ઇમિટેશનના ધંધા સાથે સંકળાયેલા અમિત રાઠોડ નામના યુવાને ચોરીના બનાવ બાબતે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી. ઇમિટેશનના ધંધાર્થી પોલીસને જણાવ્યું હતું કે, રાત્રિના સમયે પોતે પોતાના પરિવારજનો સાથે નીચે રૂમમાં સૂતો હતો. ત્યારે ઉપરના રૂમનો દરવાજો તોડી તસ્કરો આશરે 36 કિલોની ચાંદી ચોરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ચોરી બાબતે તપાસ કરતા ખરા અર્થમાં કોઈ ચોરી થઈ જ ન હોવાનું ફલિત થયું હતું. તેમજ સમગ્ર મામલે અમિત રાઠોડની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે લાખોના દેણામાં આવી ગયો છે. જેથી તેને અલગ અલગ વેપારીઓ પાસેથી 36 કિલો ચાંદી એકઠી કરી હતી. જે ચાંદીમાંથી તેને દાગીના બનાવીને વેપારીઓને પરત આપવાના હતા. તો સાથે જ ચાંદી એકઠી થયા બાદ તેને પ્લાન બનાવ્યું હતું તે મુજબ તેને સવારે પોલીસને ચોરી થઈ ગયા બાબતની જાણકારી હતી.
અમિત ચાંદી પોતાના પરિચિત પાસે મૂક્યું હોય તે કબજે કરવા હાલ પોલીસે તજવીજ શરૂ કરી છે. તો સાથે જ ચોરીની ખોટી સ્ટોરી ઘડવા બદલ તેમજ તેમાં મદદરૂપ થનારા સામે પણ પોલીસે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક યુવાને પોતાની સાથે લાખો રૂપિયાની રોકડની લૂંટ થઈ હોવાની સ્ટોરી ઘડી હતી. જોકે ગણતરીની જ કલાકોમાં તેની સ્ટોરી નો પર્દાફાશ પોલીસે કરી નાખ્યો હતો.