Home /News /rajkot /Crime News: છૂટાછેડા લીધા બાદ પણ પૂર્વ પતિને શાંતિ ન મળી, બે બાળકોની સામે જ પૂર્વ પત્નીની હત્યા કરી
Crime News: છૂટાછેડા લીધા બાદ પણ પૂર્વ પતિને શાંતિ ન મળી, બે બાળકોની સામે જ પૂર્વ પત્નીની હત્યા કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં થોડા સમય પહેલા પારિવારિક ઝઘડાના કારણે પતિ-પત્ની બંને એકબીજાથી અલગ થયા હતા.
Jetpur Murder case: મૃતકની પુત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે મારા પિતાને મારા કાકાનો દીકરો ઘરમાં આવ્યા ત્યારે અમે બંને ભાઈ-બહેન સુતા હતા. પરંતુ અચાનક જ જોર-જોરથી અવાજ આવતા અમે જાગીને બહાર આવ્યા હતા.
રાજકોટ (Rajkot News) જિલ્લાના જેતપુર શહેર (Jetpur)માં બે દિવસ અગાઉ પૂર્વ પતિએ પૂર્વ પત્નીને છરીના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા (Murder case)કરી નાખી હતી. ત્યારે જેતપુર સીટી પોલીસ (Jetpur City Police) દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલા પૂર્વ પતિ તેમજ તેના ભત્રીજાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાકા-ભત્રીજાની ધરપકડ કરી તેમને નામદાર કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
કરવાચૌથનું વ્રત પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે રાખતી હોય છે. પરંતુ એજ પતિ જ્યારે પત્નીના પ્રાણ હરી લે ત્યારે કહેવું જ શું? આવો જ કંઈક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે સામે આવ્યો છે, જેતપુર શહેરમાં છૂટાછેડા લીધેલી એક સ્ત્રી પોતાના પુત્ર રવિરાજ તેમજ પુત્રી પાયલ સાથે રહેતી હતી. સવારે પોણા દસ વાગ્યે બંને બાળકો જ્યારે સૂતા હતા તે અરસામાં મહિલાનો પૂર્વ પતિ તેના ભત્રીજા સાથે મહિલાના ઘરે ધસી આવ્યો હતો. ત્યારબાદ બંને શખ્સોએ મહિલા સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલીની ઘટના ક્ષણભરમાં હત્યા સુધી પહોંચી ગઇ હોવાનું પણ સામે આવ્યું છે. રોષે ભરાયેલા પ્રસન્ન બહેનના પૂર્વ પતિ અને ભત્રીજાએ આડેધડ છરીના ઘા માર્યા હતા. જેના કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ પાડોશીઓને થતા તાત્કાલીક અસરથી પીડિત મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના હાજર રહેલા તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.
સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં મૃતકની પુત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે મારા પિતાને મારા કાકાનો દીકરો ઘરમાં આવ્યા ત્યારે અમે બંને ભાઈ-બહેન સુતા હતા. પરંતુ અચાનક જ જોર-જોરથી અવાજ આવતા અમે જાગીને બહાર આવ્યા હતા. તેમજ માતાને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેમાં અમે સફળ નહોતા રહ્યા. મોઢા પર રૂમાલ બાંધીને મારા પિતા તેમજ મારા કાકાનો દીકરો શિવરાજ મારી માતાને મારી રહ્યો હતો. પોલીસ તપાસમાં ઘટનાસ્થળની આજુબાજુમાં સીસીટીવીમાં મૃતકનો પતિ તેમજ તેનો ભત્રીજો કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. હત્યા કરી ઘરની બહાર નીકળતા સમયે હત્યાના ગુનામાં સામેલ શિવરાજ લોહીવાળા હાથ લૂછતો પણ જોવા મળ્યો હતો ત્યારબાદ બંને એક બાઈક ઉપર સવાર થઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં થોડા સમય પહેલા પારિવારિક ઝઘડાના કારણે પતિ-પત્ની બંને એકબીજાથી અલગ થયા હતા. પતિ શાંતુભાઇ કહોરને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા હતી. જેના કારણે તેણે પોતાના ભત્રીજા સાથે મળી પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. આમ હત્યાના ગુનામાં પિતા જેલવાસ ભોગવતા હશે, જ્યારે માતા કાયમી માટે સંતાનોને છોડીને અનંતની વાટે ચાલી નીકળી છે. ત્યારે હાલ તો બંને સંતાનો માતા-પિતા વગર નોંધારા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.