Mustufa Lakdawala,Rajkot : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થઈ છે.ખેડૂતોને મોઢે આવેલો તૈયાર કોળિયો છીનવાઈ ગયો છે.જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો છે.ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
આ તકલીફને લઈને ખેડૂતોએ ખેતરમાં તબલા અને મંજીરા વગાડી રામધૂન બોલાવી વરૂણદેવને પ્રાર્થના કરી રહ્યાં છે.સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પડેલી જણસીઓ તેમજ ઊભા મોલમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા ઘઉં ઢાળી પડ્યા છે.જ્યારે જીરૂ, ધાણા અને ચણાનું વાવેતર કરેલા ખેડૂતોને પણ તૈયાર મોલમાં નુકશાની થઈ છે. ખેડૂતોએ જણાવ્યું છે જ્યારે પાકને લણવાનો સમય આવ્યો ત્યારે તૈયાર મોલ પડી ગયો છે. જેને લઈને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
ખેડૂતોને થયેલા નુકસાનને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના જિલ્લા પંચાયતના સભ્ય મીરા ભાલોડીયાએ તંત્રને પત્ર લખ્યો છે.અને રજુઆત કરી છે.કે કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલી નુકસાની અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે.જેથી કરીને ખેડૂતોને મદદ મળી શકે.
તમને જણાવી દયે કે રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી તેમજ ઉપલેટા તાલુકા વિસ્તારમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ગોંડલ અને જેતપુરમાં અચાનક કમોસમી વરસાદ આવતા માર્કેટિંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલી ખેડૂતોની જણસીઓ પલડી ગઈ હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.કમોસમી વરસાદને લઈને થયેલા નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.