Home /News /rajkot /

રાજકોટ: કારોબારી સમિતિના ચેરમેનના રાજીનામાં પાછળ ગોંડલ વિધાનસભાની ટિકિટનો કકળાટ જવાબદાર? 

રાજકોટ: કારોબારી સમિતિના ચેરમેનના રાજીનામાં પાછળ ગોંડલ વિધાનસભાની ટિકિટનો કકળાટ જવાબદાર? 

સહદેવસિંહ (ફાઇલ તસવીર)

Gujarat Assembly Election 2022: જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાતના ફોટો તેમણે પોતાના facebook એકાઉન્ટ ઉપર પણ અપલોડ કર્યા હતા.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતમાં નવી બોડી ચૂંટાયાને દોઢ વર્ષનો સમયગાળો વિત્યો છે. ત્યારે દોઢ વર્ષના સમયગાળામાં જ અત્યારસુધીમાં અનેક વખત રાજકોટની જિલ્લા પંચાયત (Rajkot district panchayat)માં આંતરિક વિખવાદ હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. દોઢ વર્ષના સમયગાળામાં જ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહે રાજીનામું (Sahdevsinh resignation) આપી દીધું છે. સહદેવસિંહે ડીડીઓને નહીં પરંતુ રાજકોટ જિલ્લા પ્રમુખના કાર્યાલય ખાતે પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. જોકે, મળતી માહિતી પ્રમાણે પ્રમુખે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી.

સહદેવસિંહની અમિત શાહ સાથે મુલાકાત


જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાતના ફોટો તેમણે પોતાના facebook એકાઉન્ટ ઉપર પણ અપલોડ કર્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાત કરતા ગોંડલ વિધાનસભા ક્ષેત્રમાં એક વાત ચર્ચા હતી કે, સહદેવસિંહ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો લોબિંગ કરવા પહોંચ્યા હતા.


શું ટિકિટ લોબિંગની ચર્ચાથી જયરાજસિંહ નારાજ થયા છે?


ગોંડલ વિધાનસભા ક્ષેત્રમાં હાલ જે પ્રકારે વાત ચર્ચાઇ રહી છે. તે મુજબ સહદેવસિંહ દ્વારા લોબિંગ કરવામાં આવી હોવાની ચર્ચાને કારણે ગોંડલ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ નારાજ થયા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે જયરાજસિંહે સહદેવસિંહને જણાવ્યું હતું કે, તને જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન બનાવવા પાછળ મારો હાથ રહેલો છે. ત્યારે હવે જો તારે મારી સામે ટિકિટની માંગણી જ કરવી હોય તો ખુલીને સામે આવી જા અને મેં અપાવેલું ચેરમેન પદ ખાલી કરી દે. સમગ્ર મામલે સ્વાભિમાનના કારણે સહદેવસિંહે સ્વાભિમાનના કારણે રાજીનામું ધરી દીધું હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સહદેવસિંહે જયરાજસિંહને તે બાબત પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, દિલ્હી ખાતે તેઓ ટિકિટનું લોબિંગ કરવા નહીં પરંતુ એક શુભેચ્છા મુલાકાતે ગયા હતા.

ગોંડલ સીટ પહેલેથી છે હાઇપ્રોફાઇલ


ગોંડલ વિધાનસભાની સીટ હાઈ પ્રોફાઈલ ગણાય છે. ગોંડલ વિધાનસભા સીટ પર 2012થી 2017 સુધી જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય તરીકે હતા. ત્યારબાદ તેના પત્નીને ધારાસભ્ય તરીકે લડાવ્યા અને જીતાડ્યા પણ હતા. 2022 ડિસેમ્બરની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા પોતાના પુત્ર ગણેશને લડાવવા માગતા હતા. પરંતુ ગણેશની ઉંમર ઓછી હોવાના કારણે તેની ઉંમરમાં ફેરફાર કરવો જરૂરી હતો. જે બાબતે જયરાજસિંહ અને તેમના પરિવાર દ્વારા ગણેશની ઉંમર વધારવા બાબતે તેમજ તેમાં સુધારો કરવા બાબતે નગરપાલિકામાં અરજી પણ કરવામાં આવી હતી. અરજી બાબતે સંબંધિત ઓફિસર દ્વારા ઉંમરમાં સુધારો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ અને તેમના પરિવાર દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં નહોતી આવી.

એક જ સીટ પર એક જ પરિવારના સભ્યો ને ટિકિટ?


ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર અવારનવાર પ્રહારો કરવામાં આવે છે કે કોંગ્રેસ વંશવાદના કારણે પીટાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ જાતનો વંશવાદ ચલાવી લેવામાં નથી આવતો. તેમ છતાં વર્ષ 2012 થી 2017 સુધી ધારાસભ્યના પદ ઉપર રહેલા જયરાજસિંહ જાડેજાને ફરી ટિકિટ ન આપી 2017 માં જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા પોતાના પુત્ર ગણેશને ટિકિટ અપાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ગોંડલ વિધાનસભામાં પેજ પ્રમુખની કામગીરી સૌથી નબળી!


પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાના મતવિસ્તારની પેજ પ્રમુખની કામગીરી પૂર્ણ કરવાની સતત ટકોર કરી રહ્યા છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ ગોંડલ વિધાનસભાની સીટના પેજ પ્રમુખની કામગીરી અન્ય વિધાનસભા સીટની સરખામણીએ સૌથી નબળી રહી છે. તાજેતરમાં જ ગોંડલ ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ સી.આર. પાટીલ દ્વારા યોજવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા 1000થી વધુ બાઈક ચાલક બાઈક રેલીમાં જોડાશે તેઓ દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ પચાસ ટકાથી પણ ઓછા લોકો બાઈક રેલીમાં જોડાયા હતા. તેમજ જ્યારે સભા સ્થળ પર સી.આર. પાટીલ પહોંચ્યા અને સંબોધન શરૂ થતા મોટાભાગના લોકોએ ચાલતી પકડી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા 'અવસર' અભિયાનનું લોન્ચિંગ કરાયું

ગોંડલના ફ્લોપ કાર્યક્રમથી વિનોદ ચાવડાએ નેતાઓનાો ક્લાસ લીધો!


ગોંડલના ફ્લોપ કાર્યક્રમને લઈને વિનોદ ચાવડા દ્વારા નેતાઓના ક્લાસ લેવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સભા પૂર્ણ થયા બાદ રાત્રિ ભોજનનો કાર્યક્રમ જયરાજસિંહના ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારે થોડા સમય પૂર્વે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાએ જાહેરમાં કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગે પૂછ્યું હતું. જેના જવાબમાં વિનોદ ચાવડાએ ફાર્મ હાઉસ ખાતે હાજર રહેલા નેતાઓનો ક્લાસ લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિનોદ ચાવડાએ નેતાઓને ત્યાં સુધી કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ અને લાયક કાર્યક્રમનું આયોજન ન હોતું થયું. મારે એક જ અઠવાડિયામાં બીજો સારામાં સારો કાર્યક્રમ અહીં કરવો છે.


ગોંડલમાં થપ્પડ કી ગુંજ ઉઠી હતી!


થોડા સમય પૂર્વે જામકંડોરણા ખાતે ગૌશાળાના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડાયરામાં જયરાજસિંહના પુત્ર ગણેશ દ્વારા જયેશ રાદડિયાના કાકાને થપ્પડ પણ મારવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જોકે, સમગ્ર મામલે જયરાજસિંહ અને જયેશ રાદડિયા દ્વારા કોઈપણ પ્રકારનો અણબનાવ ન બન્યો હોવાનું સ્ટેટમેન્ટ જાહેર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે, ગોંડલ વિધાનસભામાં જે પ્રમાણે સી.આર. પાર્ટીનો વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં માણસો ભેગા કરવાની જવાબદારી રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન જયેશ રાદડિયા તેમજ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા સહિતનાઓને આપવામાં નહોતી આવી. જેના કારણે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા બંને નેતાઓએ જનમેદની ભેગી કરવામાં રસ નહોતો લીધો. બીજી તરફ ક્યાંક ને ક્યાંક પ્રસંગ જયરાજસિંહને ત્યાં હોય તેથી જનમેદની તેમને જ ભેગી કરવા દો તેવી પણ એક વાત ઉઠી હતી.

આ પણ વાંચો: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મોડી રાત્રે 23 DySPની બદલી

ગોંડલમાં મતદારોમાં પાટીદારોનું પ્રભુત્વ


ગોંડલ વિધાનસભાની સીટ પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ રહેલું છે. તેમ છતાં અહીં ક્ષત્રિય ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે છે. ત્યારે અંદરખાને છેલ્લા કેટલાય સમયથી પાટીદારો અહીં પોતાનો માણસ ઇચ્છી રહ્યા છે. પરંતુ કોઈ કાળે અહીં પાટીદારોની મુરાદ પૂરી નથી થઈ. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોની મુરાદ પૂરી થાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તો સાથે જ આગામી વર્ષ 2022ની ચૂંટણીમાં ગીતાબા જાડેજાને જ ટિકિટ આપવામાં આવે છે કે પછી અન્ય કોઈ ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલ વ્યક્તિને તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુજરાત ચૂંટણી 2022, ગોંડલ, રાજકારણ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन