Home /News /rajkot /રાજકોટમાં લગ્નના ફુલેકામાં ખુલ્લેઆમ દારૂની બોટલો સાથે શરાબી ડાન્સ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

રાજકોટમાં લગ્નના ફુલેકામાં ખુલ્લેઆમ દારૂની બોટલો સાથે શરાબી ડાન્સ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

રાજકોટમાં ફરી એકવાર જાહેરમાં દારૂની છોડો ઉડી.

Rajkot Liquor: ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં લગ્ન પ્રસંગે નીકળતા ફુલેકામાં ગેંગસ્ટર અને તેના મિત્રો ખુલ્લે આમ શરાબી ડાન્સ કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે.

રાજકોટઃ એક તરફ ગુજરાત સરકારના અધિકારીઓ રાજ્યમાં દારુબંધીની ગુલબાંગો પોકારવામાં આવે છે, તેમ છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ વેચાતો હોવાના અહેવાલો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં લગ્ન પ્રસંગે નીકળતા ફુલેકામાં ગેંગસ્ટર અને તેના મિત્રો ખુલ્લે આમ શરાબી ડાન્સ કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. તેમજ એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

હવામાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા


મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફુલેકામાં વરરાજાને તેના મિત્ર દ્વારા બંદૂક આપવામાં આવતી હોવાનું વીડિયોમાં કેદ થયું છે. ચર્ચા તો ત્યાં સુધીની છે કે, વરરાજા અને તેના મિત્રો દ્વારા ફુલેકામાં હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.


દારૂની બોટલ સાથે યુવાનો ઝૂમ્યાં


આ સિવાય ફુલેકાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમાં વરરાજાના મિત્રો ખુલ્લેઆમ શરાબી ડાન્સ કરી રહ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળે છે. તિરંગ ફિલ્મના પ્રખ્યાત ગીત ‘પીલે પીલે ઓ મોરે રાજા...’ ગીત પર યુવાનો દારૂની બોટલ સાથે ઝૂમી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.


પોલીસે કાર્યવાહી હાથ ધરી


ત્યારે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સમગ્ર પોલીસ વિભાગ તપાસમાં જોતરાઈ ગયું છે. ત્યારે પોલીસ તપાસમાં ખરા અર્થમાં શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગેંગસ્ટર તાજેતરમાં જ પોતાના ભાઈના લગ્નનું બહાનું બતાવી પેરોલ પર છૂટ્યો છે.

નોંધઃ ન્યૂઝ18 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Published by:Vivek Chudasma
First published:

Tags: English liquor, Liquor Bottles, Liquor News in Gujarat, Rajkot News, Rajkot police