રાજકોટ : હાલની પરિસ્થિતિમાં જયારે શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે વિદ્યાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જોવા મળ્યું. જાણે વિદ્યાર્થીઓએ જુદી દિશા નકી કરી લીધી હોય તેમ લાગે છે. આ કોરોનાએ જયારે ભરડો લીધો ત્યારે આશ્ચર્ય સાથે જોવા મળતી બાબતમાં વિદ્યાર્થીઓ સતત ઘરે રહીને તેનું ધ્યાન જુદી દિશામાં પરિવર્તિત થતું જોવા મળ્યું. જેની અસર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંનેમાં જોવા મળી.
પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજો યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માંગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઘરે છે ત્યારે બાળકોએ તેનું મન ઘરે જ મનાવી લીધું છે. સતત ઘરે રહેવાને કારણે શાળા કોલેજો પ્રત્યે તેનું વર્તન બદલાય ગયું છે.
કોઈપણ બાબતની લત લાગ્યા પછી છોડાવવી એ ખૂબ અઘરું કાર્ય છે. બાળકોને જો એક વખત મોબાઈલ કે ઓનલાઈન ભણવાની જ લત લાગી તો તેને શાળા ની ટેવ પડાવવી મુશ્કેલ બની જશે. મનોવિજ્ઞાન અનુસાર પરિસ્થિતિ બદલાઈ ત્યારે સમાયોજન સાધવું બાળકો માટે મુશ્કેલ બને છે. તો જ્યારે બાળકો હવે ઓનલાઇન જ ભણે છે ત્યારે ફરી શાળામાં સમાયોજન સાધી શકશે એ પણ એક પ્રશ્ન છે.
કેળવણી અને સમાજિકરણના પાયામાં શાળા અને શિક્ષકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ સતત શાળાઓ બંધ હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર ભવિષ્યમાં દેખાશે. એક સમય એ હતો જ્યારે બાળકને ઓનલાઈન શિક્ષણમાં રસ પડતો નહોતો અને હવે બાળક રમતા રમતા બોલે છે કે, શાળાએ જવું જ નથી. બાળકનું આ વાક્ય ઘણું કહી જાય છે. તેમને પૂછેલા પ્રશ્નના જવાબો કંઈક આવા હતા.
1. સ્કૂલે જવાનું નથી તો કેવું લાગે છે? 72% બાળકોએ આનંદના આવેગમાં કહેલું કે અત્યારે સ્કૂલ યાદ પણ આવતી નથી. બસ મજા પડે છે આખોદિવસ રમવાની, મસ્તી કરવાની.
2. સ્કૂલ ટીચર યાદ આવે? તેને મળવાનું મન થાય? 54% એ કહ્યું કે યાદ નથી આવતા. વર્ષ ઉપર થયું હવે તો ક્લાસ ટીચર પણ બદલાઈ ગયા હશે.. મારા ક્લાસ ટીચર કોણ હશે એની અમને જ ખબર નથી આ તો કેવી મજા..
3. કાલે સ્કૂલે જવાનું થાય તો તમે જાવ? 81% એ કહ્યું ના ન જઈએ.
4. સ્કૂલે જવુ પહેલાની જેમ ફરજીયાત થાય તો શું કરો? આપણને આંચકો લાગે તેવો જવાબ મળ્યો કે ખોટું ખોટું છીંક ખાઈએ અને ઉદરસ ખાઈએ એટલે કોઈ સ્કૂલે જવુ ન પડે..
5 પ્રશ્ન: તમને પરીક્ષા દેવી ગમે કે નહીં? તેમાં આશરે 80% વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે પરીક્ષા વગર જ પાસ થવાનું હોય એ જ મજા આવશે. ફેઈલ થવાની કોઈ જ ચિંતા નહિ.
6 પ્રશ્ન: હવે શાળા શરૂ થાય તો જવુ ગમે ને? જવાબ: રોજ રોજ ન ગમે. અઠવાડિયામાં એકાદ બે દિવસ જ જવાય. રોજ જઈએ કે ન જઈએ ઘરે બેસી ભણવાનું
7 પ્રશ્ન આખોદિવસ શું કરો? ઓનલાઇન લેક્ચર ભરો છો? 72% એ કહ્યું કે ટીવી જોવું, વિડિઓ ગેમ રમવી, શેરીમાં રમવા જવુ, સ્કેટિંગ કરવું, બધા ભેગા થઇ સાથે ઓનલાઇન લેક્ચર ભરીએ..
આ જવાબ આપણા આખા શિક્ષણ આલમને અચંબામાં મૂકે તેવો છે.
- કોરોનાની બાળકોના શિક્ષણ અને ભણતરમાં જોવા મળતી નિષેધક અસરો* - બાળકો ઓનલાઇન ભણવા તૈયાર નથી. માત્ર વિડિઓ ચાલુ રાખી બીજી રમતે ચડી જાય છે. - 1 વર્ષથી સ્કૂલે ગયા નથી તોય પાસ થઈએ છીએ, બસ આવું જ ચાલે તો મજા પડી જાય. ભણવાનું નામ પડે તો કંટાળો આવે છે. - વિકાસ અને સર્જનાત્મક શક્તિમાં ઘટાડો. - મૌખિક અભિવ્યક્તિમાં ખામી આવી. - વાંચન ક્ષમતામાં ઘટાડો - લેખન ક્ષમતાની ઝડપમાં ઘટાડો - ગણિત તો જાણે સાવ ભૂલી ગ્યા - અગાઉના શિક્ષણમાં જોવા મળતો સ્મૃતિલોપ - વિચાર શક્તિમા જોવા મળતી અરુચિ - ઓનલાઇનને કારણે મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ - ટીવીમાં સતત કોમેડી શો જોઈને મજા માણવી જેના કારણે લેક્ચર ભરવાનું ભૂલી જવું. - શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયામાં જોવા મળતું અંતર - શાળાઓ બંધ હોવાને કારણે માતાપિતા કંટાળી ગ્યા જેથી વિદ્યાર્થીઓને ભણવા બેસાડવાને બદલે બહાર રમવા મોકલી દેવા. - હવે ઘરે રહીને નવી નવી રમતો રમવાની મજા માણે છે. - જુદી જુદી રમતો રમતા પણ શીખી ગ્યા ત્યારે શિક્ષણ ભૂલી ગ્યા... - નવું શીખવામાં રસ ન્ દાખવવો
હવે છોકરાઓને શાળાએ પુર્વવ્રત કરવા મુશ્કેલ.
કોરોનામાં શાળા બંધ હોવાને કારણે, બાળકો અગાઉના વર્ગમાં જે શીખ્યા હતા તે ભૂલી રહ્યા છે. આને કારણે, ભવિષ્યમાં વર્ગોમાં તેમને શીખવામાં મુશ્કેલી પડશે. મહત્તમ અસર બીજા અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. ભણતરના અંતરને કારણે, તેઓ હવે નવા વાતાવરણનો સ્વીકાર કરી શકશે કે કેમ? તે પણ એક સમસ્યા થશે.
કિસ્સો 1: એક 6 ધોરણનો વિદ્યાર્થી તેના ઘરે બસ એમ જ કહે છે કે, હવે શાળા જવું જ નથી બસ ઘરે રહી ભણવા મળે તો શાળા જવાનું શુ કામ?
કિસ્સો: 2 બસ સતત આવી રીતે પાસ થઈ જવાનું. ભણવાની કોઈ ચિંતા નહિ. રમવાનું અને આનંદ કરવાનો
કિસ્સો 3: મોબાઈલથી જ ભણીએ તો વિડીયો બંધ રાખી જે કરવું હોય એ કરી શકી. કલાસરૂમમાં બેસવાની કઈ ચિંતા જ નહીં
કિસ્સો: 4 કિસ્સો: મારો દીકરો લોકડાઉન થયું ત્યારથી શાળા જવાની જીદ કરતો હવે ક્યારેક શિક્ષક ફોન કરે કે વિડીયો કોલ કરે તો સામે જતો પણ નથી.
એક વાલીની હૈયા વરાળ - વિશ્વના 55 થી વઘુ દેશમાં સ્કૂલ, કોલેજ રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે આપણે ત્યાં હજુ કહેવું મુશ્કેલ છે કે, ક્યારે થશે શરૂ. જ્યાં શિક્ષણને મહત્વ ન મળતું હોય અને મનોરંજનને મહત્વ મળતું હોય ત્યાં આવી જ હાલત હોય. એક હીરો કે હિરોઈન જે સમાજને મનોરંજન આપે છે, સંસ્કાર નહીં, તેને કરોડો રૂપિયા મળે છે જયારે શિક્ષક સંસ્કાર સાથે શિક્ષણ આપે છે તૅ સહાયકમાં 5 થી 20 હજારમાં જતો હોય ત્યાં શું અપેક્ષા રાખીએ? સમાજનો ઢાંચો જે બદલાય ગયો છે તૅને લીધે આવું જ બનશે. શિક્ષણને સંસ્કાર સાથે સંબંધ હતો પણ હવે વેપાર થઇ ગયો માટે આવી હાલત છે.