Home /News /rajkot /જેમને કૉંગ્રેસમાં મજૂરી નથી કરવી તેઓ ભાજપમાં જઈને શું કરી શકશે? ત્યાં ફક્ત 100 લોકોને જ જલસા, બાકી બધા મજૂર છે: અર્જુન મોઢવાડિયા
જેમને કૉંગ્રેસમાં મજૂરી નથી કરવી તેઓ ભાજપમાં જઈને શું કરી શકશે? ત્યાં ફક્ત 100 લોકોને જ જલસા, બાકી બધા મજૂર છે: અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા
Arjun Modhwadia on Hardik Patel: મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "દેશની પ્રજા ખૂબ દુઃખી છે. 30 વર્ષ પહેલા દેશની જેવી સ્થિતિ હતી તેના કરતા પણ આજે બદતર સ્થિતિ છે. મોંઘવારી, બેકારી પરાકાષ્ઠાએ છે. રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર પણ પરાકાષ્ઠાએ છે."
રાજકોટ: બુધવારે આખરે હાર્દિક પટેલે (Hardik Patel resigns) કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામા સાથે જ હાર્દિક પટેલે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ અને કૉંગ્રેસના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યાં છે. બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીના વિવિધ નેતાઓ તરફથી પણ હાર્દિક પટેલ વિશે ટિપ્પણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં કૉંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ હાર્દિક પટેલને મજૂર ગણાવ્યો છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યુ છે કે, હાર્દિક પટેલને જતો રોકી ન શકાય.
અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?
રાજકોટ ખાતે આજે કૉંગ્રેસ (Congress)ની એક બેઠક મળી રહી છે. આ મામલે મીડિયાને સંબોધતા કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, "સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના આગેવાનોની આજે બેઠક મળી રહી છે. ઉદેપુરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ ત્યાં લેવાયેલા નિર્ણયોનો અમલ કેવી રીતે કરવો તેના વિશે બેઠકમાં ચર્ચા થશે. કૉંગ્રેસ પાર્ટી 2022 અને 2024ની ચૂંટણી માટે તૈયાર છે."
દેશની પ્રજા દુઃખી
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "દેશની પ્રજા ખૂબ દુઃખી છે. 30 વર્ષ પહેલા દેશની જેવી સ્થિતિ હતી તેના કરતા પણ આજે બદતર સ્થિતિ છે. મોંઘવારી, બેકારી પરાકાષ્ઠાએ છે. રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર પણ પરાકાષ્ઠાએ છે. આ સમયે પ્રજાના પડખે ઊભા રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તેના વિશે ચર્ચા કરવામાં આવશે."
કૉંગ્રેસમાંથી નેતાઓ જઈ રહ્યા હોવા મામલે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, "જેમણે મન બનાવી લીધું હોય તેમના વિશે કંઈ ન કહી શકાય. પ્રજાના પડખે ઊભા રહેવાની તૈયારી ન હોય. નામ બની જાય એટલે બધુ જ આપો એવું ન થઈ શકે. કૉંગ્રેસ નહીં, બીજી પણ ન મળે. લોકો ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે જાય છે કે તેમને એવું લાગે છે કે ત્યાં બધાને જલસા છે. ભાજપમાં ફક્ત 100 લોકને જ જલસા છે, બાકી બધા મજૂર છે. કૉંગ્રેસમાં મજૂરી નથી કરવી તો હવે તે ભાજપમાં કેવી રીતે કરશે?"
હાર્દિક પટેલનો રાજીનામા પત્ર
બુધવારે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ટ્વિટર પર એક પત્ર પોસ્ટ કરીને રાજીનામું ધરી દીધું હતું. આ પત્રમાં હાર્દિકે કૉંગ્રેસના નેતૃત્વ પર ગંભીર આક્ષેપ કર્યાં હતા. હાર્દિક પટેલનો પત્ર....
અનેક પ્રયાસો છતાં કૉંગ્રેસ પાર્ટી તરફથી દેશહિત તેમજ સમાજ હિતથી બિલકુલ વિપરિત કાર્ય કરવાને કારણે અમુક વાતો તમારા ધ્યાનમાં મૂકવી જરૂરી છે.
છેલ્લા ત્રણ વર્ષથી મને માલુમ પડ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશના લોકોને એક એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્યનું વિચારે અને દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. અયોધ્યામાં શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય, GST લાગૂ કરવાનો નિર્ણય હોય, દેશ ખૂબ લાંબા સમયથી આ મુદ્દાઓનું સમાધાન ઇચ્છી રહ્યો હતો. કૉંગ્રેસ પાર્ટી આ વાતોમાં ફક્ત વિઘ્ન બનવાનું કામ કરતી રહી છે. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દે કૉંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું સીમિત રહ્યું છે. દેશના દરેક રાજ્યના લોકોએ કૉંગ્રેસને જાકારો આપ્યાનું કારણ એવું છે કે, કૉંગ્રેસ પાર્ટી અને તેનું નેતૃત્વ લોકો સમક્ષ પ્રાથમિક રોડમેપ પણ રજૂ કરી શકી નથી.
કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનું કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીર ન હોવું મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને મળ્યો ત્યારે લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યા સાંભળવાને બદલે મોબાઇલ અને અન્ય વસ્તુઓ પર હતું. જ્યારે દેશ સંકટમાં હતો અથવા કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધારે જરૂરિયાત હતી ત્યારે અમારા નેતા વિદેશમાં હતા. શીર્ષ નેતૃત્વનું ગુજરાત પ્રત્યે એવું વલણ રહ્યું છે કે જાણે તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત હોય. આવા કેસમાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પ તરીકે જુએ?
દુઃખ થાય છે જ્યારે મારા જેવા નેતા દરરોજ પોતાના ગાડીમાં, પોતાના ખર્ચે 500-600 કિલોમીટરનો પ્રવાસ કરે છે, લોકની વચ્ચે જાય છે અને પછી જોઈએ છીએ કે ગુજરાતના મોટા નેતાઓ તો જનતાના મુદ્દાઓથી દૂર રહીને ફક્ત એ વાતનું ધ્યાન રાખે છે કે દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાઓ વચ્ચે ગયો ત્યારે લોકોએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું અપમાન કરે છે. પછી તે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે પછી રાજનીતિ ક્ષેત્ર હોય. મને લાગે છે કે કૉંગ્રેસ પાર્ટીઓએ યુવાઓનો વિશ્વાસ તોડ્યો છે, આજ કારણ છે કે આજે કોઈ પણ યુવા નેતા કૉંગ્રેસ પાર્ટીમાં જોવા મળતો નથી.
" isDesktop="true" id="1210537" >
મારે મોટા દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના દરેક લોકો જાણે છે કે કૉંગ્રેસના મોટા નેતાઓએ કઈ રીતે જાણી જોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા કર્યાં છે, તેના બદલામાં તેમણે આર્થિક ફાયદા ઉઠાવ્યા છે. રાજનીતિક વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ રીતે વેચાય જાય તે રાજ્યના લોકો માટે મોટો વિશ્વાસઘાત છે.
રાજનીતિમાં સક્રિય તમામ લોકોનો ધર્મ હોય છે કે લોકો માટે કાર્ય કરતા રહે, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે કૉંગ્રેસ પાર્ટીએ ગુજરાતના લોકો માટે કંઈ સારું નથી કરવું. આથી જ્યારે હું ગુજરાતમાં કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારો તિરસ્કાર કર્યો. મેં વિચાર્યું ન હતું કે કૉંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા પ્રદેશ, અમારા સમાજ અને ખાસ કરીને યુવાઓ પ્રત્યે મનમાં આવો દ્વેશ રાખે છે.
આજે હું મોટી હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો કરશે. હું માનું છું કે આ પગલાં બાદ હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ. જનતા તરફથી મળેલા પ્રેમનું ઋણ ચૂકવવાનો હંમેશા પ્રયાસ કરતો રહીશ.