Mustufa Lakdawala,Rajkot : રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલ આગામી 2 ફેબ્રુઆરીએ 20 વર્ષ પૂર્ણ કરશે.ત્યારે આ હોસ્પિટલ દ્વારા કિડનીના લગતા રોગોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દર્દીઓને કિડનીને લગતા રોગોની માહિતી આપવામાં આવશે. આ સાથે જ કેટલાક રિપોર્ટ પમ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
સમગ્ર મામલે બી.ટી. સવાણી હોસ્પિટલના ડો.વિવેક જોશીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કિડનીના રોગનું પ્રમાણ સવિશેષ રહ્યું છે. સૌરાષ્ટ્રના લોકોને કિડનીની બિમારી સારવાર ઘર આંગણે મળી રહે તે માટે અને બધાને પોસાય તેવા દરે મળે તે હેતુથી 20 વર્ષ પહેલા બી.ટી.સવાણી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આશરે 170 બેડની આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 2 લાખ જેટલા નવા દર્દીઓની સારવાર થઈ છે. આ સાથે જ સાડા 4 લાખ જુના દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
ડો.જોશીએ વધુમાં જણાવ્યું હતું કે 1 લાખ ઈન્ડોર દર્દીઓ અને 1 લાખ કિડનીને લગતા ઓપરેશન કરવામાં આવ્યાં છે.આ સાથે જ 4 લાખ 64 હજારથી વધારે ડાયાલિસિસ કરવામાં આવ્યાં છે. આ બધી સારવાર દર્દીને સરળતાથી મળી રહે અને ઓછા દરમાં મળે છે. આ હોસ્પિટલ 2જી ફેબ્રુઆરીએ 20 વર્ષ પૂર્ણ કરશે.ત્યારે કિડનીના રોગને લઈને જાગૃતિ આવે તે માટે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.1લી ફેબ્રુઆરીએ અમારી ટીમ કિસાનપરા ચોકમાં લોકોને સવારથી કિડનીને લગતી માહિતી આપશે અને બ્લડપ્રેશર, સુગર અને વજન પણ માપી આપવામાં આવશે.કારણ કે ડાયાબિટીસ એવો રોગ છે કે જેનાથી કિડનીનો રોગ થવાની સંભાવના રહે છે.
જ્યારે 2જી ફેબ્રુઆરીએ કિડનીને લગતા રોગોનું ફ્રી નિદાન કરી આપવામાં આવશે.આ સાથે જ બ્લડને લગતા રિપોર્ટમાં 20 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.જો ઓપરેશનની જરૂર પડશે તો મા યોજના હેઠળ ફ્રીમાં કરી આપવામાં આવશે.
3જી ફેબ્રુઆરીએ સ્કુલના વિદ્યાર્થીઓ માટે એક લેક્ચરનું આયોજન કરવામાં આવશે.આ સાથે જ કિડનીને લગતી માહિતી આપવામાં આવશે અને ડાયાલિસિસ વિશે પણ માહિતી આપવામાં આવશે.જ્યારે 4 ફેબ્રુઆરીએ ક્રિસ્ટમ મોલ પાસે લોકોને કિડનીને લગતી માહિતી આપશે અને બ્લડપ્રેશર, સુગર અને વજન પણ માપી આપવામાં આવશે.જેથી રાજકોટના લોકો અને રાજકોટની બહારના લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે.