Rajkot News : રાજકોટ જિલ્લામાં (Rajkot District) ફરી એક વખત તસ્કરોએ (Thieves in Rajkot) તરખાટ મચાવ્યો છે. તસ્કરો જાણે કે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક બાદ એક ચોરી એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટના રીબડા નજીક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે 14 લાખથી વધુની (Chaddi Banyan Gang Stole 14 Lakhs in Ribada) રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થવા પામી છે. બીજી તરફ ઘટનાને 36 કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં હજુ પણ પોલીસના હાથે તસ્કરો લાગ્યા નથી. ચોરીની સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના રીબડા ગામ પાસે આવેલા ઉમિયાજી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટેરાફ્લો નામની કંપનીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો તરખાટ સામે આવ્યો છે. ચડ્ડી-બનિયાનધારી ગેંગે 9 તારીખ ના રોજ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં કારખાના માં ઘુસી ઓફિસમાં રાખવામાં આવેલા રોકડા રૃપિયા 14,68,900 ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
રબરના કારખાનામાં પણ બે વાગ્યાના અરસામાં ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ
સમગ્ર મામલે કારખાનાના માલિક દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે નવમી તારીખ ના રોજ રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ચડ્ડી-બનિયાનધારી બે વ્યક્તિઓ કારખાનાની ઓફિસમાં જોવા મળે છે. તસ્કરો દ્વારા હિતેશભાઈ દેપાણીના રબરના કારખાનામાં પણ બે વાગ્યાના અરસામાં ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ત્યારે સમગ્ર મામલે તસ્કરોને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ એલસીબી અને એસઓજીની ટીમ કાર્યરત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસને કેટલા સમયમાં તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
ગોંડલ શહેરના છેવાડાની સોસાયટીમાં પણ ચોર લૂંટારૂ ગેંગ ત્રાટકી હોવાની ઘટના સામે આવી છે. ગોંડલ શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ શ્રીનાથજી સોસાયટીમાં ચોર લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી. મહિલાના ઘરે ધારદાર છરી રાખી રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના પણ સામે આવી છે. સમગ્ર મામલે રહેવાસીઓ ઉઠી જતા પથ્થરોના ઘા માર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર