Home /News /rajkot /બસ ચાલકને આવ્યો હાર્ટ એટેક, બસમાં બેઠેલી વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ પર હાથ અજમાવી મોટી જાનહાનિ ટાળી
બસ ચાલકને આવ્યો હાર્ટ એટેક, બસમાં બેઠેલી વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ પર હાથ અજમાવી મોટી જાનહાનિ ટાળી
વિદ્યાર્થીની સ્ટીયરીંગ પર કાબુ મેળવ્યો
Rajkot Bus Accident: રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો હતો. જોકે બસમાં બેઠેલી એક વિદ્યાર્થીનીએ સમયસર હિંમત દાખવી સ્ટીયરીંગ ફેરવી દેતા બસ રસ્તાની બાજુ પર રહેલા વીજપોલ સાથે અથડાઈ હતી. જેના કારણે મોટી જાનહાની થતા અટકી હતી.
રાજકોટ: આપણે ત્યાં કહેવત છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવત સાચી ઠરી છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો હતો. જોકે બસમાં બેઠેલી એક વિદ્યાર્થીનીએ સમયસર હિંમત દાખવી સ્ટીયરીંગ ફેરવી દેતા બસ રસ્તાની બાજુ પર રહેલા વીજપોલ સાથે અથડાઈ હતી. જેના કારણે મોટી જાનહાની થતા અટકી હતી.
બસના ચાલક હારુનભાઈને આવ્યું હાર્ટ એટેક
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા સત્ય વિજય આઈસ્ક્રીમ નજીક ભરાડ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. આ સમયે બસના ચાલક હારુનભાઈને હાર્ટ એટેક આવતા તેમણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે બસ બે જેટલા વાહનો સાથે અથડાઈ હતી. સમગ્ર મામલાની જાણ બસમાં બેઠેલી ભૈરવી વ્યાસને થતા તેને તાત્કાલિક અસરથી હિંમત દાખવી સ્ટીયરીંગ પોતાના હાથમાં લઇ ફેરવતા બસ અન્ય વાહનો સાથે અથડાવાના બદલે વીજ પોલ સાથે અથડાઈ હતી.
સમગ્ર મામલે હારુનભાઈને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે તેમની તબિયત સુધારા પર હોવાનું પણ જાણવા મળ્યું છે. બસમાં રહેલા અન્ય વિદ્યાર્થીનીઓ તેમજ પ્રત્યક્ષ દરશ્યોનું કહેવું છે કે, જો ભૈરવી વ્યાસે હિંમત ન દાખવી હોત તો બસ આગળ જ્યાં સિગ્નલ બંધ હતું ત્યાં મોટા પ્રમાણમાં વાહન ચાલકો પોતાના વાહનો સાથે ઉભા હતા. તેમજ સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જો બસ તે વાહન ચાલકો સુધી પહોંચી હોત તો મોટી જાનહાની થવાની શક્યતા રહેલી હતી.
આમ, જો બસમાં બેઠેલી વિદ્યાર્થીની ભૈરવી વ્યાસે જો પરિસ્થિતિ મુજબ હિંમત ન દાખવી હોત તો આજે રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના બની ચુકી હોત. જ્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ વિદ્યાર્થીની ની બહાદુરીની લઈ લોકો ચર્ચા કરી રહ્યા છે. આ વિદ્યાર્થીની ભૈરવી વ્યાસે પોતાની બહાદુરી દાખવીને બધાનો જીવ બચાવી લીધો હતો.