રાજકોટ: એક તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ પર છે. તેમજ સોમવારના રોજ તેઓ જામનગરની મુલાકાતે પણ વાના છે. તો સાથે જ મંગળવારના રોજ તેઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જન સભાને સંબોધવાના છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજહંસ સ્ટોન કન્ટ્રીંગ કંપનીમાંથી જીલેટીન સ્ટીક, બેટરી, વાયર સહિતની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ, એસોજી સહિતની મહત્વની બ્રાન્ચનો પોલીસ કાફલો પણ તપાસમાં જોડાયો છે. તેમજ જરૂર પડે અન્ય એજન્સીની પણ મદદ લેવામાં આવશે.
રાજકોટ પોલીસને આપેલ ફરિયાદમાં એભલભાઈ લાભુભાઈ જલુ નામના વેપારીએ જણાવ્યું છે કે, ગત તારીખ 6 ઓક્ટોબરના રાત્રિના આઠ વાગ્યાથી લઈ સાત ઓક્ટોબર સવારના આઠ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે રાજહંસ સ્ટોન કન્ટ્રીંગ કંપનીના રૂમમાં રાખેલ એક્સપ્લોઝિવ ટોટાની સાત પેટી જેની કિંમત 21,000 થાય છે. તેમજ 250 નંગ બ્લાસ્ટિંગ કેપ જેની કિંમત આશરે 7,500 રૂપિયા થાય છે. તો સાથે જ પ્લાસ્ટિક કરવા માટેનો વાયર આશરે 1,500 મીટર જેટલો ચોરાયો છે. જેની કિંમત આશરે 12,000 રૂપિયા જેટલી થાય છે. આમ કુલ મળીને રૂપિયા 40,500 ની મત્તા કંપનીમાંથી ચોરાય છે. કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા રૂમનું તાળું તોડી ગુનો આચરવામાં આવ્યો છે.
ત્યારે કેટલાક સવાલો પોલીસ વિભાગ પર પણ ઉઠી રહ્યા છે. રાજકોટ શહેરના પૂર્વ કમિશનર મનોજ અગ્રવાલના સમયમાં એક ફરિયાદ હતી કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની જગ્યાએ માત્ર અરજી ઉપર જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરને નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ મળ્યા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પોલીસે અરજી નહીં પરંતુ ફરિયાદ નોંધવાની રહેશે. ત્યારે આજરોજ નોંધાયેલી ફરિયાદ બાબતે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે ચોરી થયાના બેથી ત્રણ દિવસ બાદ શા માટે ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી દ્વારા ફરિયાદીનો પણ ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ફરિયાદીનો ફોન નો રીપ્લાય થયો હતો. ચર્ચાતી માહિતી મુજબ ફરિયાદી દ્વારા ચોરીની ઘટના બન્યાના ગણતરીની જ કલાકમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે ફરિયાદ 9 ઓક્ટોબરના રોજ દાખલ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા જુદી-જુદી ટીમ બનાવી ગુનાહિત કૃત્ય આચરનાર ની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીના ઝડપાયા બાદ જ તેના ગુનાહિત કૃત્ય આચરવાના બાબતના કારણે જાણી શકાશે.