હરીન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે મારવાડી યુનિવર્સિટીમાં અભત્યાસ કરતાં નીલ ઠક્કર નામના એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. મૂળ જૂનાગઢનો રહેવાસી નીલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. નીલે હોસ્ટેલના બિલ્ડિંગના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું કે આપઘાત કરનાર વિદ્યાર્થી નીલ BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતો હતો, જો કે તેને એક વર્ષ માટે ડિટેઇન કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાંથી ડિટેઇન કરતાં હોસ્ટેલના રેક્ટરે નીલને રૂમ ખાલી કરવાનું કહ્યું હતું.
મૃતક વિદ્યાર્થીની ફાઇલ તસવીર
પ્રાથમિક તારણોમાં કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલ ખાલી કરવાનું અને ડિટેઇન થતાં નીલ ડિપ્રેશનમાં ગરકાવ થઇ ગયો અને આપઘાતનું પગલું ભર્યું છે. ઘટનાની જાણ થતાં જ નીલના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતા. તો બીજી બાજુ મીડિયાને જોતા જ મારવાડી કોલેજના સંચાલકો ડિન, પ્રોફેસર અને રેક્ટર ભાગી ગયા હતા. જો કે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ વિગતો તપાસી રહી છે.