ન્યૂઝ18 ગુજરાતી : એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો યથાવત છે. જીતની શ્રેણીમાં રાજકોટમાં કાર્યરત રેલવે વિભાગની એક કર્મચારી નીના વરકીલે લાંબી કૂદની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી દેશને અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નીના વરકીલ રાજકોટ રેલવે ડિવિઝનમાં ટિકિટ ચેકર તરીકે કાર્યરત છે. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં ગતરોજ તેણે લાંબી કૂદની સ્પર્ધામાં 6.51 મીટરની છલાંગ લગાવી બીજો ક્રમાંક મેળવીને દેશ માટે સિલ્વર મેડલ અંકે કર્યો હતો.
નીનાએ સોમવારે તેની રમતની શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ પ્રયાસમાં 6.41મીટર, બીજા અને ત્રીજા પ્રયાસમાં અનુક્રમે 6.40 અને 6.50 મીટરની કૂદ લગાવી હતી. પાંચમા પ્રયાસમાં તેણે 6.51 મીટરની કૂદ લગાવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ સ્પર્ધામાં વિયેતનામની થાઓ થુ બુઈએ 6.55 મીટર સાથે ગોલ્ડ, જયારે ચીનની શીઓંલિંગ શૂ એ 6.50 મીટર અંતર લાંઘીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નીનાની આ સિદ્ધિથી રાજકોટ અને સૌરાષ્ટ્ર વાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.