ન્યૂઝ18 ગુજરાતી : રાજકોટમાં ગુરુવારે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. શુક્રવારે બંનેએ આપઘાત કર્યો હતો તે રૂમમાંથી વધુ એક રિવોલ્વર મળી હોવાની માહિતી સામે આવી છે. હવે એવી વિગતો સામે આવી છે કે મહિલા એએસઆઈ જ્યાં રહેતી હતી તે મુખ્યમંત્રી આવાસ યોજનાની ઈ-વિંગમાં રાત્રે 11 વાગ્યાથી પોણા ત્રણ વાગ્યા સુધી એક શંકાસ્પદ કાર આવી હતી. આ કાર ત્રણ વખત ઇ-વિંગમાં આવી હતી અને ગઈ હતી.
રવિરાજની કારની બાજુમાં જ પાર્ક થયેલી હતી કાર
મળતી માહિતી પ્રમાણે આપઘાત કરી લેનાર પોલીસ કોન્સ્ટેબલ રજિરાજસિંહની ક્રેટા કાર જ્યાં પાર્ક કરેલી હતી તેની બાજુમાં જ એક કાર પાર્ક કરેલી હતી. આ કાર ઈ-વિંગમાંથી રાત્રે બહાર નીકળી હતી, તેની સાથે રવિરાજની કાર પણ બહાર નીકળી હતી. આશરે 12 વાગ્યાની આસપાસ આ કાર ફરીથી ઇ-વિંગમાં દાખલ થઈ છે, એ સમયે રવિરાજની કાર પણ પાછળ પાછળ ઇ-વિંગમાં પ્રવેશ કરે છે. છેલ્લા શંકાસ્પદ લાગતી કારનો ડ્રાઇવર રાત્રે પોણા ત્રણ વાગ્યે ઇ-વિંગમાંથી બહાર નીકળે છે, અને ફૂલસ્પીડમાં ગાડી હંકારીને જતો રહે છે.
બીજી તરફ પોલીસ તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રવિરાજ અને ખુશ્બુએ પણ બેથી ત્રણ વાગ્યાની વચ્ચે આપઘાત કરી લીધો હતો. પોલીસ હાલ શંકાસ્પદ કાર મામલે પણ તપાસ આદરી છે. કારણ કે રવિરાજ અને શંકાસ્પદ કાર સાથે જ બહાર નીકળી અને પ્રવેશી હતી. છેલ્લા શંકાસ્પદ કાર એકલી બહાર નીકળી હતી.
ખુશ્બુના ઘરેથી બીજી રિવોલ્વર મળી
બીજી તરફ શુક્રવારે પોલીસે એવો પણ ખુલાસો કર્યો છે કે ખુશ્બુના ઘરેથી વધુ એક રિવોલ્વર પણ મળી હતી. આ રિવોલ્વર ખુશ્બુના સાથી એએસઆઈ વિવેક કુછડિયાની હોવાનું સામે આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિરાજ, ખુશ્બુ, વિવેક કુછડિયા અને તેમના પત્ની સાથે જમવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન વિવેક પોતાની રિવોલ્વર ખુશ્બુના ઘરે જ ભૂલી ગયા હતા.
ખુશ્બુ
ખુશ્બુએ એબોર્શન કરાવ્યું હતું
એવી પણ માહિતી મળી છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સાથે ફરજ બજવતા મહિલા ASI ખુશ્બુના ઘરે રવિરાજસિંહ આવતા-જતાં હતા. ભૂતકાળમાં ખુશ્બુએ એબોર્શન પણ કરાવ્યું હતું.
બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે એફએસએલની ટીમ પહોંચે તે પહેલા પોલીસે બંનેની લાશને ખસેડી હતી. મીડિયામાં જે તસવીરો પ્રકાશિત થઈ હતી તેમાં ખુશ્બુ જમીન પર ચતા પડ્યા હતા, જ્યારે રવિરાજ બાજુમાં ઢળીને પડ્યાં હતાં, તેમજ તેમનું માથું કબાટના ખાના તરફ ઢળેલું હતું અનેનીચે રિવોલ્વર પડી હતી.