મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : રંગીલું ગણાતું રાજકોટ રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી કરવા થનગની રહ્યું છે. ધુળેટીની ધમાકેદાર ઉજવણી કરવા માટે પિચકારીઓ તેમજ રંગોની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. બે-બે વર્ષ બાદ પ્રથમ તહેવાર ધામધૂમથી ઉજવવાની છૂટ મળી હોવાથી લોકો ધુળેટીની ઉજવણીમાં કોઈ કચાશ રહી ન જાય તે માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ પીચકારીઓમાં 30 % જેટલો ભાવ વધારો હોવા છતાં લોકો હોંશભેર ખરીદી કરી રહ્યા છે. બીજીતરફ વિવિધ પાર્ટી પ્લોટમાં પણ રંગે રમવા માટેના ભવ્ય આયોજન કરાયા છે. જેમાં નાનામૌવા નજીકનાં પેટ્રોલ પંપ પાસે મોહે રંગ દે સિઝન-3નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આવા અયોજનોમાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
પીચકારીઓ અંગે વાત કરતા સદર બજારનાં વેપારી રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાનાં કારણે 2 વર્ષ તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી. ત્યારે બે-બે વર્ષ બાદ ચાલુ વર્ષે ધામધૂમથી રંગે રમવાની છૂટ મળી છે. જેને લઈને નાના-મોટા સૌકોઈ ધુળેટીની રંગભરી ઉજવણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. અને તમામ બજારમાં પીચકારીઓનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે.
જો કે વેપારીઓ 4-6 મહિના અગાઉ ખરીદી કરતા હોય છે. અને એ સમયે કોરોનાની ત્રીજી લહેર ચાલતી હતી. જેને લઈ વેપારીઓ દ્વારા ઓછો માલ ભરવામાં આવ્યો છે. પરંતુ તેની સામે ઘરાકી વધુ સારી નીકળતા છેલ્લા દિવસોમાં માલ ખૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સામાન્ય રીતે ભાવમાં 10 ટકા વધારો થતો હોય છે. પણ ચાલુવર્ષે 30 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાં લોકો ઉત્સાહભેર પિચકારીઓ ખરીદી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
પાર્ટી પ્લોટમાં વિવિધ ઇવેન્ટનું અયોજન કરનાર મિલી ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી માટે તેમના દ્વારા 'મોહે રંગ દે સિઝન-3નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. નાનામૌવા નજીક યોજાનાર આ કાર્યક્રમમાં રંગે રમવા ઉપરાંત ઢોલ, ડીજે, ડાન્સ, ગરબા અને કલર થીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવશે. અહીં રંગોના તહેવારની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આજે ધુળેટીનાં બે દિવસ પહેલા જ બુકીંગ ફૂલ થવાની તૈયારીમાં છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર