ઘરને કલર કરાવવો છે? તો અપનાવો આ ઈકો ફ્રેન્ડલી પેઈન્ટ
ગાય-ભેંસના ગોબરનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય જ છે. પરંતુ હવે રાજકોટના યુવકે પહેલીવાર ગોબરમાંથી ઈકો ફ્રેન્ડલી રંગ તૈયાર કરવાની શરૂઆત કરી છે. રાજકોટ ખાતે યોજાયેલ સૌ પ્રથમ ગૌ આધારિત શિખર સંમેલનમાં તેની આ શોધ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રાજકોટ : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખરસંમેલન અને પ્રદર્શન છે. ત્યારે ગોબરધન અને પશુધન માટે અને તેમના નકામા કચરામાંથી તૈયાર કરાયેલા સંશોધનો અને સંસાધનો આશ્ચર્યચકિત કરી દે એવા છે. ગોબરધનમાંથી તૈયાર કરાયેલા પ્રાકૃતિક પેઈન્ટ આવું જ એક ઉત્પાદન છે.
ગાયના ગોબરનો વધુ એક સદઉપયોગ
આ ટેકનોલોજી પર કામ કરીને ગોબરધનમાંથી પેઈન્ટ બનાવનારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજપુર ગામના યુવા એન્જિનિયર આશિષ વોરા જણાવ્યું હતું કે, ઘણા બધા યંગસ્ટર્સ અથવા યુવા મિત્રો ગાય ભેંસના ગોબરથી દૂર ભાગતા હોય છે. પણ તેમાં રહેલી ઊર્જા ખૂબ જ અદભુત છે. આપણા દેશમાં દરેક ગામડામાં એક તો ગૌ સંસ્થા હોય જ છે.જેની સાથે મળીને યુવાનો રીસર્ચ કરે તો, ગોબર ઈકોનોમીને ગ્લોબલ ઈકોનોમી તરીકે વિકસીત કરી શકવાની પુરી સંભાવનાઓ રહેલી છે. આના થકી દૂધ ન આપતા પશુઓને કતલખાને મોકલવાને બદલે તેના ગોબરનો ઉપયોગ કરીને એ પશુઓને એક નવું જીવન આપી શકાય છે.
પેઈન્ટ બનાવવા માટે પાંચ દિવસની લીધી હતી તાલીમ
વધુમાં જણાવ્યું હતું કે, ગોબરમાંથી પેઈન્ટ બનાવવાની તાલીમ એક વર્ષ પહેલા મેં ખાદી ઇન્ડિયા તરફથી જયપુર ખાતે મેળવી છે. પાંચ દિવસની આ ટ્રેનિંગમાં ગોબરમાંથી પેઈન્ટ કેવી રીતે બનાવવો તે શીખ્યો છું પછી વડાપ્રધાનની પરિકલ્પના મુજબની દેશનેજોબ સિકર નહીં, પરંતુ જોબ ગીવરની જરૂરિયાતને મે મારી પ્રાથમિકતા બનાવીને રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ પ્રાકૃતિક પેઈન્ટ બનાવવાનું ચાલુ કર્યું અને મારા સ્ટાર્ટ અપને નિરાલી પેઈન્ટ્સ નામ આપ્યું છે.
હાલ અમારો પ્લાન્ટમાં પ્રોડક્શનની દ્ષ્ટિએ નાનો છે, છાણમાંથી પ્રતિ દિવસ ૨૦૦ લીટર પેઈન્ટ બનાવી શકીએ છીએ. અમારા ખેતરમાં ૧૦ ગાયો રાખી છે જેનું ભરણ પોષણ કરીએ છીએ તેના ગોબરમાંથી જ અમે ઉત્પાદન કરીએ છીએ. ક્યારેક અમારે ગોબર ઘટે તો આસપાસની ગૌશાળામાંથી ગોબરની ખરીદી કરીને પ્રોડક્શન કરીએ છીએ. ગૌશાળાના ગોબરનો ભાવ નક્કી કરવાથી ગૌશાળાઓને પણ નિશ્ચિત આવક થઈ શકે. જેનો ઉપયોગ ગાયોના નિભાવ માટે કરી શકાય.
જૂની લીપણની પરંપરાનું પૂન:નિર્માણ કરવાનો પ્રયાસ
અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે હાલ અમે એક ટકા રકમ ગૌધનના નિભાવ માટે આપીએ છીએ. ભવિષ્યમાં આરકમમાં અમે વધારો કરીશું. લોકોને અનુરોધ કરીએ છીએ કે, અન્ય રંગોની સરખામણીએ આ રંગો ઈકોફ્રેન્ડલી, એન્ટી બેક્ટેરીયલ, ગરમી પ્રતિરોધક, ઝેરી રસાયણો વગરનો અને વ્યાજબી કીંમતે મળે છે તેનો ઉપયોગ કરીને ગૌધનની જાળવણી કરીએ.
એક અંદાજ મુજબ દેશમાં રંગોનું માર્કેટ ૬૦ હજાર કરોડનું છે, જ્યારે પ્રાકૃતિક રંગોનું માર્કેટ ૨% કરવાનો પ્રયાસ છે. ઈકો ફ્રેન્ડલી ખાદી પ્રાકૃતિક કલર એ દિવાલો અંદર-બહાર અને ફલોર ભોંયતળીયા ને ગાયના ગોબરથી લીંપણ કરવાની જુની ભારતીય પરંપરાથી પ્રેરિત એક નવી પહેલ છે. પ્રાચીન કાળથી પ્રચલિત જૂની પધ્ધતિઓને આધુનિક ઉત્પાદનોમાં પુનઃનિર્માણ કરીને પ્રાકૃતિક કલર બનાવવામાં આવેલ છે.