રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સરાજાહેર પોતાને પરેશાન કરનારા યુવકને મેથીપાક ચખાડ્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્કો પણ સામે આવી રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયામાં ચર્ચાએ રહેલી વાતો અનુસાર, રાજકોટ શહેરના રેસકોસ રિંગ રોડ પર આવેલા પટેલ આઈસ્ક્રીમ ખાતે એક યુવતી પોતાના સ્નેહીઓ સાથે આઈસ્ક્રીમ ખાવા પહોંચી હતી. ત્યાર બાદ લોકોનો ફીડબેક માંગવામાં આવે છે. જે અંતર્ગત યુવતીએ પણ પોતાનો ફીડબેક આપ્યો હતો. યુવતીએ જે ફિડબેક ફોર્મ ભર્યું હતું, તેમાંથી પટેલ આઇસ્ક્રીમમાં કામ કરનારા કર્મચારીએ યુવતીના ફોન નંબર લઇ લીધો હતો અને યુવતીના ફોન નંબર ઉપર મેસેજ કર્યો હતો. કોઈ સ્ટ્રેન્જરનો મેસેજ આવતા યુવતી પણ ચોંકી ઉઠી હતી.
જે બાદ યુવતીએ આઇસ્ક્રીમ પાર્લરમાં કામ કરનારા યુવકને મેથીપાક ચખાડવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત યુવક જે જગ્યાએ કામ કરી રહ્યો હતો તેની સામેના ભાગે યુવકને બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવકને યુવતીએ મેથીપાક ચખાડ્યો હતો.
યુવતી અને સ્ત્રીઓ આ વાતનું રાખે ખાસ ધ્યાન
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આ પ્રકારના બનાવોમાં યુવતીઓ ફરિયાદ કરવાની ટાળતી હોય છે. તેમજ સામાન્ય રીતે પોતાના પરેશાન કરનારા યુવકનું પ્રતિકાર કરવાનો પણ ટાળતી હોય છે. પરંતુ આ ઘટના અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણાદાયી છે. યુવતીઓને પરેશાન કરનારા યુવકને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ. સાથે જ યુવતી અને સ્ત્રીઓ માટે પણ આ કિસ્સો એક લાલબત્તી સમાન છે. જ્યારે કોઈપણ જગ્યાએ પોતાની પર્સનલ ડિટેલ્સ ફોર્મમાં ભરો ત્યારે તે બાબતનું ચોક્કસ ધ્યાન રાખે કે તેમની આ ડિટેલ્સ ક્યારેય પણ સાર્વજનિક થઈ શકે તેમ છે. બને ત્યાં સુધી પબ્લિક ડોમેનમાં પોતાની પર્સનલ ડિટેલ્સ શેર કરવાનું ટાળે તે જરૂરી છે.