Home /News /rajkot /Rajkot: સૌરાષ્ટ્રમાં અહીં લોકો સાથે ટહુકામાં વાતો કરે છે મોર, ગામની વસ્તી 350ને 1400 મોર!

Rajkot: સૌરાષ્ટ્રમાં અહીં લોકો સાથે ટહુકામાં વાતો કરે છે મોર, ગામની વસ્તી 350ને 1400 મોર!

આ ગામમાં લોકો સાથે હળીમળીને રહે છે મોર

અહીં કબૂતર, ચકલી, કાબર, કાગડા, હોલા જેવા પંખીઓના કલરવ સાથે રાષ્ટ્રીયપક્ષી મોરનો ટહુકાર સતત સાંભળવા મળે છે. મોરના ટહુકારથી આ ગામનું વાતાવરણ જાણે કઇંક અલગ જ માહોલ ઊભો કરે છે.

Mustufa Lakdawala,Rajkot : માળિયામિંયાણા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં માનવ વસ્તી કરતાં મોરની સંખ્યા ચાર ગણી છે. નાનાભેલા ગામમાં માનવ વસ્તી 350 છે. પરંતુ તેની સામે મોરની સંખ્યા 1400છે. સામાન્ય રીતે માણસોને જોઇ દૂર ભાગતા મોર અહીં ઘર આંગણે આવી ચડે છે અને લોકોના હાથમાં રહેલું ચણ આરોગે છેમાળિયામિંયાણા તાલુકાના નાનાભેલા ગામ ગામની ખાસિયત છે કે અહીં કબૂતર, ચકલી, કાબર, કાગડા, હોલા જેવા પંખીઓના કલરવ સાથે રાષ્ટ્રીયપક્ષી મોરનો ટહુકાર સતત સાંભળવા મળે છે. મોરના ટહુકારથી ગામનું વાતાવરણ જાણે કઇંક અલગ માહોલ ઊભો કરે છે.


પક્ષીઓનો શિકાર થાય તેનું ધ્યાન ગ્રામજનો રાખે છે


નાનાભેલા ગામના લોકો મુખ્યત્વે સૂકી ખેતી સાથે સંકળાયેલા છે. આજે આધુનિક ખેતી અને બીજા રાજ્યોમાંથી કે આદિવાસી લોકોને મજૂરીએ રાખીને મોટાભાગના ગામોમાં ખેતી કરવામાં આવે છે. બહારથી આવેલા લોકો પંખીઓનો છાનો શિકાર કરતાં હોય તેવી બૂમરાણ મોટાભાગના ગામોમાં સાંભળવા મળે છે. પણ નાનાભેલા ગામમાં ભાગ્યે કોઈ બહારના માણસોને ખેતીકામ માટે રાખવામાં આવે છે. જેના કારણે અહીં આવા નિર્દોષ પંખીઓનો શિકાર થતો નથી.


સાંજ પડેને મોર ગામલોકોના ઘરે ભોજન કરવા પહોંચી જાય છે


સૂકી ખેતી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાયેલા હોવાથી ગામના લોકો દેશી ખાતરનો ઉપયોગ વધુ અને જંતુનાશક દવાનો ઉપયોગ ખૂબ ઓછો કરે છે. આવા અનેક પરિબળો પણ નાના જીવને બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે સૌથી વધુ મોરની વસતી અહીં જોવા મળે છે. ગામના લોકો પોતાની ઘરે ચણ (દાણા) નાખતા હોવાથી મોર પણ ગામના લોકો સાથે એક પરિવારના ભાગરૂપે રોજ સવાર સાંજ ગામલોકો સાથે ભોજન કરવા પહોંચી જાય છે.


ગ્રામજનો મોરનો અવાજ કાઢે તો સામે મોર પણ ટહુકા કરે છે


મોર તેમના નિત્યક્રમ મુજબ પરિવારના સભ્યની જેમ પૂરા ઘરમાં નિર્ભય થઈને ફરે છે. ગામના લોકો પોતાના કંઠેથી મોરનો અવાજ કરે એટલે સામે મોર પણ તેમની સામે ટેહુ ટેહુ કરીને ટહુકા કરીને જવાબ આપે છે. ગામમાં મોર જેવા પંખીઓ સલામત હોવાથી માનવ વસતીથી મોરની વસતી વધુ છે.

First published:

Tags: Peacock, ગામડા, રાજકોટ