રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 13 વર્ષની બાળાને બદઇરાદે લઈ જનારા પટ્ટાવાળાને પકડીને મેથીપાક ચખાડ્યાની ઘટના સામે આવી છે. લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ પટ્ટાવાળાને પોલીસ હવાલે કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતી એક મહિલાની રાત્રિના સમયે તબિયત લથડી હતી. જેના કારણે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાત્રિના સમયે ઇમર્જન્સી વોર્ડમાંથી તેને વોર્ડ નંબર સાતમાં રીફર કરવામાં આવ્યા હતા. આ સમયે મહિલા દર્દીને ઇમર્જન્સી વોર્ડમાંથી વોર્ડ નંબર સાતમાં મૂકવા માટે પટ્ટાવાળો સંજય વાઘેલા ગયો હતો. મહિલા દર્દીને દાખલ કર્યા બાદ તેની સાથે રહેલી 13 વર્ષની પુત્રીને જોઈને સંજય વાઘેલાની દાનત બગડી હતી.
13 વર્ષીય સગીરાને ચા-પાણી લઈ દઉં તેમ કહી બદઇરાદે તે બાળકીને કેન્ટીન તરફ લઈ ગયો હતો. સંજય જ્યારે સગીરાને અંધારામાં લઈ જઈ રહ્યો હતો ત્યારે જ સગીરાના સગા સંબંધીઓ જોઈ જતા કેન્ટીન પાસેથી જ સંજય વાઘેલાને પકડી સરાજાહેર મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ સંજય વાઘેલાને પોલીસને સોંપી દીધો હતો. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા બાળાને બદ ઇરાદે લઈ જનાર સંજય વાઘેલાની અટક પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સંજય વાઘેલા કોન્ટ્રાક્ટ બેઝ પર સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય. ત્યારે પોતાના સંતાનોને કોઈ પણ અજાણી વ્યક્તિની સાથે જવા દેવા પૂર્વે માતા-પિતાએ અનેક વખત વિચારવું જોઈએ. સદનસીબે આ ઘટનામાં સગીરા સાથે કોઈપણ જાતનું બદકામ થાય તે પૂર્વે જ તેના પરિવારજનો જોઈ ગયા હતા. જેથી કોઈપણ જાતની અઘટીત ઘટના બનતા અટકી ગઈ હતી.