રાજકોટઃ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા નકલી નોટ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા તેલંગાણાથી રમેશ બાબુ કસ્તુરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ તેલંગણા રાજ્યમાં ગોપાલપુરમ પોલીસ સ્ટેશન સિકંદરાબાદ ખાતે નકલી નોટનો ગુનો દાખલ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં ગોપાલપુરમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ipcની કલમ 489 એ, બી, સી, ડી, ઇ મુજબ ગુનો દાખલ થયો હતો.
તેલંગાણાથી આરોપીને ઝડપી પાડ્યો
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન. ભૂકણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ નકલી નોટ મામલે તપાસ અર્થે તેલંગણા ગઈ હતી. તે દરમિયાન એ ડિવિઝન પોલીસના હાથે નકલી નોટના મુખ્ય સૂત્રધાર રમેશ બાબુ કસ્તુરી ઝડપાયો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ તેના વિરુદ્ધ વર્ષ 2022માં નકલી નોટ અંગેનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2022માં ત્યાંની પોલીસે તેને 3 લાખથી પણ વધુની નકલી નોટ સાથે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે આવતીકાલે કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રમેશ બાબુ કસ્તુરીને રજૂ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાલ તે સહયોગ નથી આપી રહ્યો. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તે પોલીસ પ્રોસિજરથી વાકેફ છે. તેને કારણે તે હાલ તપાસમાં સહયોગ નથી આપી રહ્યો, તેને કારણે હાલ રિમાન્ડ મેળવવા જરૂરી છે. રિમાન્ડ દરમિયાન પોતે નકલી નોટ કોઈની પાસેથી મેળવતો હતો કે, પછી પોતે જ નકલી નોટ બનાવતો હતો તે બાબતની પૂછપરછ કરવામાં આવશે.
અગાઉ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ ગુનાના કામે કમલેશ જેઠવાણી અને ભરત બોરીચા સહિત કુલ છ આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે. તેમજ પોલીસ રૂપિયા 15.84 લાખના દરની કુલ 3443 નકલી ચલણી નોટ કબજે કરી ચૂકી છે.