રાજકોટ: રાજકોટના એક ગામમાં ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યાં વાડી વિસ્તારમાં પારણે ઝૂલી રહેલા નવ માસના બાળકને કૂતરાએ બચકાં ભરી (Dog bites kid) લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનામાં કૂતરાનો પ્રતિકાર કરનાર મૃતકના પિતા સહિત બે વ્યક્તિને પણ કૂતરાએ બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. નવ માસના માસૂમનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવ માસના વ્હાલસોયા સંતાનનું પ્રાણપંખેરું ઉડી જતાં પરિવારજનો હાલ ઠેબચડા છોડી મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ બનાવે સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. બીજી તરફ બાળકને બચકાં ભરી લેનાર શ્વાન હડકાયું તો નથી ને તેની તપાસ તંત્રએ આદરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ઠેબચડા ગામ (Thebachada village)ની સીમમાં લક્ષ્મણભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા અને વાડીની અંદર જ રહેતા મૂળ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના વતની પારસભાઈ વસાવા (Parasbhai Vasava) અને તેની પત્ની સહિતના લોકો કામ કરી રહ્યા હતા. જે દરમિયાન તેમનો 9 માસનો પુત્ર સાહિલ (Sahil) કપડાંના પારણામાં ઝૂલી રહ્યો હતો. આ સમયે એક શ્વાન ત્યાં કાળ બનીને ત્રાટક્યો હતો.
ઘોડિયામાં ઊંઘી રહેલા સાહિલને શ્વાને બચકાં ભર્યાં
શ્વાને સૌપ્રથમ કપડાંના ઘોડિયામાં ઊંઘી રહેલા બાળકને આંખના ભાગે બચકું ભર્યું હતું. ત્યારબાદ તેને ગળાના ભાગેથી ઊંચકી ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાળકે ચીસાચીસ કરતા બાળકના માતા-પિતા સહિતના લોકોનું ધ્યાન બાળક તરફ ગયું હતું. બાળકના માતા-પિતા સહિતના લોકોએ શ્વાનનો પ્રતિકાર કરતા શ્વાને બાળકને પડતું મૂકીને બાળકના પિતા સહિતના લોકો પર હુમલો કર્યો હતો.
સારવાર દરમિયાન મૃત્યું
હુમલામાં મૃત બાળકના પિતા સહિત બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ બાળકને પણ સારવાર માટે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગત અનુસાર પારસભાઈ વસાવાને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરી મોટી જ્યારે કે સાહિલ માત્ર નવ માસનો જ હતો. નવ માસના વ્હાલસોયા સંતાનનું પ્રાણપંખેરું ઉડી જતાં પરિવારજનો હાલ ઠેબચડા છોડી મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.