Mustufa Lakdawala,Rajkot : આજે દિવાળીનો પાવન પર્વ છે. ત્યારે હિન્દુ ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય ખુશી સમાતી ન હોય. ત્યારે કેદીઓ પણ દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકે તે માટે સરકારે રાજકોટ જેલના 60 કેદીને પેરોલ જામીન પર 15 દિવસની રજા આપવામાં આવી છે. આથી આજે સવારે જેલમાંથી કેદીઓ બહાર આવ્યા તો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેમજ કેદીઓએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. એક મહિલા કેદી બહાર આવી તો દીકરાને ભેટીને રડી પડી હતી. આથી જેલ બહાર લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા.
પરિવાર સાથે ધામધૂમથી દિવાળી ઉજવીશ
કેદી ભુપત ચાવડાએ જણાવ્યું હતું કે, મારે જેલમાં આ 20મું વર્ષ છે. સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે, કેદીઓ પર ધ્યાન દીધું. પરિવાર સાથે દિવાળી ઉજવીશું. અત્યારે બેવડી ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
મારે તો બાળકોને હરવાફરવા લઈ જવા છે
અન્ય એક કેદી મુસ્તુફા ઘોઘારીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર વર્ષથી જેલવાસ ભોગવી રહ્યો છું, સરકારે અત્યારે દિવાળીના તહેવારો નિમિતે અમને 15 દિવસના પેરોલ જામીન આપ્યા છે. સમયસર હાજર થવાની શરતે અમને જામીન આપ્યા છે. સુલેહ-શાંતિનો કોઈ પણ પ્રકારનો ભંગ ન કરવાની શરત રાખી છે. પરંતુ અમે બહુ ખુશ છીએ કે પરિવાર સાથે અમે દિવાળીનો તહેવાર ઉજવી શકીશું. ફટાકડા ફોડી, સગા સંબંધીઓને મળીને, બાળકોને હરવાફરવા લઈ જઈ દિવાળીનો તહેવાર ઉજવીશું. ખુશીનો પાર નથી કે એના માટે કોઈ શબ્દો નથી. સરકારનો બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સરકાર અમારા પ્રત્યે આવું જ ધ્યાન આપે અને વહેલામી વહેલી તકે અમને જેલમાંથી મુક્ત કરી માફ કરે તેવી અમારી વિનંતી છે.
મારા સંતાનો સાથે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવીશું
રાજકોટ મધ્યસ્થ જેલના મહિલા કેદી શીતલ પ્રકાશભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, હું 9 વર્ષથી જેલમાં છું, મારા બાળકો ભેગું રહેવા માટે અમને આટલી રજા આપી તે વાતની ખુશી છે. સરકારનો આભાર માનું છું કે, અમને પરિવાર સાથે આટલા દિવસ રહેવા દે છે. સરકારે દિવાળીએ અમારી સામે જોયું. મારા સંતાનો સાથે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Diwali 2022, Rajkot jail, કેદી, રાજકોટ