Home /News /rajkot /પાણી નહીં આપી કારખાનેદારને મરવા માટે મજબૂર કરનારા 5 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા
પાણી નહીં આપી કારખાનેદારને મરવા માટે મજબૂર કરનારા 5 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા
આરોપીઓ જેલના સળિયા પાછળ
Rajkot News: આવકાર સીટી એપાર્ટમેન્ટના રહેવાસીને પાણી માટે હેરાન કરવાના તેમજ મરવા માટે મજબૂર કરવાના ગુનામાં ભક્તિનગર પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજકોટ: આવકાર સીટી એપાર્ટમેન્ટના રહેવાસીને પાણી માટે હેરાન કરવાના તેમજ મરવા માટે મજબૂર કરવાના ગુનામાં ભક્તિનગર પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે 28 તારીખ મંગળવારના રોજ આઇપીસીની કલમ 306, 114 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સગપરીયા (ઉવ.47) દ્વારા ગત 20 માર્ચના રોજ ઝેરી દવા પી લેવામાં આવતા તેમને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 28 તારીખ ના રોજ બપોરના 2:30 વાગ્યા આસપાસ તેમનું મૃત્યુ નીપજતા મૃતકના નાનાભાઈ અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ સગપરીયા (ઉવ.44) દ્વારા આવકાર સીટી એપાર્ટમેન્ટના પ્રમુખ દીપકભાઈ સનુરા, ઉપપ્રમુખ કૈલાશભાઈ ધોકિયા તેમજ નિલેશભાઈ ધર્માંગભાઈ અને મુકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાછળ આવેલા આવકાર સીટી એપાર્ટમેન્ટમાં તેમના ભાઈ રહેતા હતા. આરોપીઓ દ્વારા તેમના ભાઈના ઘરે નળ કનેક્શનનું પાણી ન મળે તે માટે છેલ્લા દોઢ બે વર્ષથી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જે બાબતથી કંટાળી જઈ તેમના ભાઈએ અટિકા ઢેબર રોડ રુદ્રાંશ ઇલેક્ટ્રીકસ નામના કારખાના પાસે ઝેરી દવા પી લીધી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ સાથે સાથે મૃતક દ્વારા ઝેરી દવા પી લેતા પૂર્વે સ્યુસાઈડ નોટ પણ લખવામાં આવી હતી. જે ગુનાના કામે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં તેમણે લખ્યું હતું કે, મને પાણી વગર મારી નાખવા માંગે છે તેના કરતાં હું ઝેર પીને જ મરી જાઉં છું. મૃતકે લખેલી નોટમાં તેમને પાણીના પ્રશ્ન સોસાયટીના કમિટી મેમ્બરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારનો ઉલ્લેખ પણ કર્યો હતો.