Mustufa Lakdawala, Rajkot : ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. બાળકો હોંશભેર આંગણવાડીમાં દાખલ થાય તે માટે રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયત દ્વારા પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 35 આંગણવાડી તૈયાર થઈ ગઈ છે. જ્યારે 65 સ્માર્ટ આંગણવાડી બનાવવાની કામગીરી શરૂ છે.
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડનો કોન્સેપ્ટ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતે સોનેરી બાળપણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં અમે જિલ્લાની 100 એવી આંગણવાડીની પસંદગી કરી છે કે, જેને આકર્ષિત કરવા માટે રિનોવેશન હાથ ધર્યું છે. બિલ્ડીંગ એઝ લર્નિંગ એડનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. જેમાં બાળકો બિલ્ડીંગ જોઈને જ ઘણું બધું શીખી શકે છે. જેમાં આલ્ફાબેટ, મેથ્સ, સાયન્સની અમુક અમુક વસ્તુઓ બિલ્ડીંગમાં દોરવામાં આવી છે. અત્યારસુધીમાં 35 આંગણવાડીઓ આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થઈ ગઈ છે. તાલુકાવાઈઝ બેથી ત્રણ આંગણવાડી આ પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડ કરી દીધી છે.
પ્રારંભિક તબક્કે 100થી વધુ આંગણવાડીને અપગ્રેડ કરીશું
હેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આના લીધે ઘણા ગામડાના સરપંચોની પણ રિક્વેસ્ટ આવવા લાગી છે કે મારા ગામની આંગણવાડીને પણ આ પ્રોજેક્ટ હેઠળ લો. જ્યાં આંગણવાડીમાં વર્કર અને બહેનો છે તેનો પણ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે. બાળકો વધારે આ કોન્સેપ્ટને પસંદ કરે છે. બાળકો પહેલા આંગવાડીમાં રેગ્યુલર નહોતા પણ આ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી તૈયાર થતા સંખ્યા વધી રહી છે. અમારો પ્રારંભિક પ્લાન મુજબ 100થી વધુને આ રીતે અપગ્રેડ કરીશું. અત્યારસુધીમાં 35 આંગણવાડી અપગ્રેડ થઈ ગઈ છે. બાકીનું અમે ફેઝ 2માં કામ કરીશું, એ પણ એકથી બે મહિનામાં કામ પૂરું કરી દઇશું.
આ પ્રકારની આંગણીવાડી બનાવવા પાછળનો શું છે હેતુ
દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી આંગણવાડી બનાવવાનો હેતું એ છે કે, બાળકોને આંગણવાડી પ્રત્યે રસ વધે. સાથેસાથે બાળકોને આંગણવાડીમાં વધુમાં વધુ શીખવા મળે. આ અમારો મેઈન હેતુ છે. બાળકોને આંગણવાડીને જઈને મજા આવે અને બધુ જોઈને તે શીખે છે. માત્ર નાસ્તાનો જ હેતુ નહીં પણ બાળક આંગણવાડીમાં જઈને કઈક શીખે એ હેતું છે. આથી આ પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રોજેક્ટ શરૂ થયો છે.
રંગબેરંગી ચિત્રો અને આલ્ફાબેટથી દીવાલો રંગવામાં આવી
આ પ્રોજેક્ટ હેઠળ નાના ભૂલકાઓ માટે આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગની ડિઝાઈન અને કલર કામ ઉપર ખાસ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકામાં આવેલી 35 આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન થઈ ચૂક્યું છે. આ આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગમાં BALA ટેકનિક (બિલ્ડિંગ એઝ લર્નિંગ એઈડ)ના ખાસ પ્રયોગ દ્વારા દીવાલો ઉપર ચિત્રકામ કરાવવામાં આવ્યું છે. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓને ગમત સાથે અવનવું જ્ઞાન પણ મળી શકે તે હેતુસર રંગબેરંગી ચિત્રો, આલ્ફાબેટ, વિવિધ કેરેક્ટરો દ્વારા દીવાલોનું ચિત્રકામ કરવામાં આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર