રાજકોટ: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. બિલિયાળા પાસે ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે. ધોરાજીના યુવાન ટેમ્પોમાં ટમેટા ભરી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. તેમાં ધોરાજીના યુવાનની ઓળખ થવા પામી હતી, જ્યારે અન્ય યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતાં અકસ્માત
મળતી માહિતી અનુસાર, ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે બિલિયાળા ગામના પાટીયા પાસે રાત્રે એક વાગ્યાના સમયે ધોરાજીથી ટેમ્પોમાં ટમેટા ભરી મોહસીન હાજી રફીકભાઈ મોતીવાલા અને તેની બાજુમાં બેઠેલો અજાણ્યો યુવાન રાજકોટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે બિલિયાળા પાસે ઉભેલા ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરાજીમાં રહેતા મોહસીન હાજી રફીકભાઈ મોતીવાલા ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને પરિણીત હતા.
આ ઘટના બાદ ત્યાંથી પસાર થતા લોકો પણ દોડી આવ્યા હતા અને તરત 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવાનોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના અધિકારીએ તેમને મૃત જાહેર કર્યા હતા. બંને મૃતક યુવાનોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મૃતકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.