રાજકોટ : 31 ડીસેમ્બર નજીક આવતા બુટલેગરો રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્રની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા બુટલેગરોના અરમાન પર પાણી ફેરવવા ના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં રાજકોટ શહેર પોલીસે 85 લાખ થી પણ વધુ નો દારૂ ઝડપી પાડયો છે. જે અંતર્ગત 2 કરોડ 17 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગલિશ દારૂની બોટલ નંગ 5760 ઝડપી પાડવામાં આવી છે. જે અંતર્ગત કુલ 37,77,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ 5292 ઝડપી પાડવામાં આવી છે. તો સાથે જ કુલ 33 લાખ 82 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે આ ગુનાના કામે દુદારામ ગુમનારામ જાટ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે.
છેલ્લા 20 દિવસમાં પ્રોહીબીશન ના સૌથી વધુ કેસ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા છે જ્યારે કે બીજા નંબર પર રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે છેલ્લા 20 દિવસમાં કુલ 63 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઈંગ્લીશ દારૂની બોટલ 22137 કબજે કરવામાં આવી છે. કબજે કરવામાં આવેલ દારૂની બોટલ ની કિંમત 85 લાખ થી પણ વધુ હોવાનું સામે આવ્યું છે તો સાથે જ અન્ય મુદ્દામાલ સહિત કુલ 2 કરોડ 70 લાખ 55 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે