રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પિતા સાથે રહેતી એક તરુણીએ સુસાઇડ નોટ (Suicide note) લખી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વહાલસોયી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર (Rajkot city)ના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કિશન પાર્કમાં રહેતી આયુષી રાવલ (Ayushi Raval) નામની 17 વર્ષની કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. તરુણી કયા કારણોસર ડિપ્રેશનમાં રહેતી હતી તે તમામ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સુસાઇડ નોટ મળી આવી
સમગ્ર મામલાની જાણ સ્થાનિક તાલુકા પોલીસને થતા તાત્કાલિક અસરથી તાલુકા પોલીસ (Rajkot taluka police)નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર દોડી ગયેલી તાલુકા પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન પોલીસને કિશોરીની લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે, માતા-પિતાના છૂટાછેડા થયા બાદ આયુષી પોતાના પિતા સાથે રહીને અભ્યાસ કરતી હતી. પોલીસે કબજે કરેલી નોટમાં મૃતકે લખ્યું છે કે, "હું ઘણા સમયથી ડિપ્રેશનમાં છું. મારા આપઘાત પાછળ કોઈનો વાંક નથી. આઈ એમ સોરી, હું જીવી નહીં શકું."
તાલુકા પોલીસે તપાસ શરૂ કરી
સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા તરુણીના આપઘાતને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તરુણી કયા કારણોસર ડિપ્રેશનમાં રહેતી હતી તે તમામ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આપઘાતનો બીજો એક બનાવ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં રહેતા રાહુલ ઉમેશભાઈ ચૌહાણ નામના 18 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવો સામે આવ્યો છે. રાહુલે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. રાહુલે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર