Kutch:વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં કચ્છની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Modi Kutch visit) આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમની ચાલતી તૈયારીઓના નિરીક્ષણ માટે આજે સહકાર રાજયમંત્રી તથા પ્રોટોકલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ (Jagdish Vishwakarma) કચ્છની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત તેમણે ભુજ ખાતે આકાર પામેલા અને વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર સ્મૃતિવન (Smrutivan Bhuj), વડાપ્રધાનના કચ્છ યુનિવર્સીટીના સભામંડપ તથા ચાંદ્રાણી ખાતેના સરહદ ડેરીના (Sarhad Dairy) પ્લાન્ટની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવી હતી.
રાજયમંત્રએ સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરી, ચેકડેમ, બ્લોક વગેરેમાં થયેલા કામનું નિરીક્ષણ કરીને જાતમાહિતી મેળવી હતી. આ મુલાકાતમાં તેમણે કામગીરીની અનુલક્ષીને વિવિધ એજન્સી તથા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સુચનો આપ્યા હતા. ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ખાતે સભાસ્થળ, પાર્કિંગ સહિતની ચાલતી તૈયારીનું નિરીક્ષણ કરીને જરૂરી સુચનો કર્યા હતા. તેમજ કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી.
અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતેના કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત સરહદ ડેરીના દુધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ થવાનું હોવાથી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સરહદ ડેરીની મુલાકાત લઇને દુધનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ તથા કેટલ ફીડ પ્લાન્ટ નિહાળ્યો હતો. અહીં ચાલતી તમામ કામગીરી તેમજ દુધની પ્રોડકટ અંગે વિગતે માહિતી મેળવી હતી.