Home /News /press-release /Kutch: સરહદ પરના જવાનોને વિધાનસભા અધ્યક્ષા સહિત મહિલાઓએ રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી

Kutch: સરહદ પરના જવાનોને વિધાનસભા અધ્યક્ષા સહિત મહિલાઓએ રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી

દેશની રક્ષા કરનારની રક્ષાની પ્રાર્થના કરતી બહેનો

પોતાના પરિવારથી દૂર દેશની સુરક્ષા માટે ખડે પગે ઊભા રહેતા જવાનોને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય સહિત અન્ય મહિલાઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી

Kutch: ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર અને પ્રેમાળ સંબંધનો પ્રતીક છે રક્ષાબંધન (Rakshabandhan 2022). જ્યારે સમગ્ર દેશમાં ભાઈ બહેનો આ તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે પણ દેશની રક્ષા હેતુ જવાનો પોતાની બહેન અને પરિવારથી દૂર સરહદ પર ફરજ બજાવતા હોય છે. આ જવાનોને પરિવાર સાથે હોવાની લાગણી વ્યક્ત થાય તે હેતુથી આજરોજ કચ્છ સરહદ પરની ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષા (Gujarat Assembly Speaker) ડો. નિમાબેન આચાર્ય (Nimaben Acharya)ની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનો (Soldiers)ને રાખડી (Rakhi) બાંધી હતી.

આ તકે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને અમે રાખડી બાંધી છે. ખડેપગે દેશની રક્ષા કરનાર સરહદના સંત્રીઓ વારતહેવારે અને ખાસ તો રક્ષાબંધનના પવિત્ર પર્વે તેઓ પરિવાર સાથે છે એવો ભાવ જાગે તે માટે આ પર્વ આનંદભેર મનાવીએ છીએ. દેશની રક્ષા કરનારની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના અમે આ તકે કરીએ છીએ.

આ તકે બીએસએફના ડે. કમાન્ડર ચેતન ઘરે પોતાનો હર્ષ વ્યકત કરતા સૌનો આભાર વ્યકત કરી રક્ષાબંધન પર્વ માટે લાગણી વ્યકત કરી હતી તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તિરંગાના આન બાન શાન માટે દેશવાસીઓના ગૌરવને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી બાંધીને તેમજ મોં મીઠું કરાવીને તેમના રક્ષણની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો:   સ્વાતંત્ર્ય દિવસ પર કચ્છ પાસેની આંતરાષ્ટ્રીય સીમા પર લહેરાશે 7500 ત્રિરંગા

આ તકે હર ઘર તિરંગા અંતર્ગત જવાનોને સાંસદ વિનોદભાઈ ચાવડાએ તિરંગા અર્પણ કર્યા હતા. તો સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુમ્બલ, દિલીપભાઇ દેશમુખ, મહેન્દ્રભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, હરિભાઇ જાટીયા, અનિરુધ્ધભાઇ દવે, ડો. મુકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણી રશ્મીબેન ઝવેરી, જયંતભાઇ ઠકકર, શિતલ શાહ, હિતેશ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, નગરજનો અને શાસક પક્ષના કાર્યકરોઉપસ્થિત રહયા હતા.
First published:

Tags: Border Security Force, BSF, Gujarat Assembly, Rakhi, Raksha Bandhan 2022