Ashish Parmar, Junagadh: જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. હવે જૂનાગઢ તળાવોના વિકાસ માટે સરકાર કમર કસી રહ્યું છે. ગિરનારના પ્રવેશદ્વાર પાસેના વાઘેશ્વરી તળાવના બ્યુટીફિકેશન અને નવીનીકરણનું કામ અંદાજે 15 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેથી ગિરનાર- ભવનાથ માટે આવનારા યાત્રિકોને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. સહેલાણીઓમાં લોકપ્રિય એવા રળિયામણા વિલીંગ્ડન ડેમનું પણ અંદાજે 18 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવાતા આ અર્બન લેકનું નજરાણું પણ લોકોને જોવા મળી શકશે.
ગિરનાર દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવના બ્યુટીફિકેશન અને નવીનીકરણનું કામ 18 કરોડના ખર્ચે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત કરવામાં આવશે. જેથી ગિરનાર તથા ભવનાથ આવનારા યાત્રીકો અને સહેલાણીઓને એક આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. વાઘેશ્વરી તળાવની આસપાસ બાઉન્ડ્રી, લેન્ડસ્કેપીંગ ગાર્ડન, સીટીંગ એરેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બની રહયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ માટેનું કામ થઇ રહ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ પણ ફાળવી છે.
કુલ 48.32 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના 9.9 હેક્ટરમાં થશે વિકાસ
જૂનાગઢ મનપા દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બીજા તબક્કાના શહેરના વોટર બોડીને ડેવલપમેન્ટ કરવા અર્થે વિઝન પ્લાન ઓફ વોટર બોડીઝની કામગીરી તજજ્ઞોને સોંપવામાં આવી છે. જેમાં દાતાર તળાવ, નરસિંહ મહેતા તળાવ અને વિલીંગ્ડન ડેમનો સમાવેશ થાય છે. વિલીંગ્ડન ડેમનો 18 કરોડનો ડ્રાફટ પ્લાન તૈયાર કરાયો છે. જેને ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં આવશે.
વાઘેશ્વરી તળાવના ડેવલપમેન્ટ માટે અંદાજીત ખર્ચ 15 કરોડ છે. તળાવને અમૃત 2.0 ના સ્વેપ -2ના પ્લાનમાં સ્ટેટ વોટર એકશન પ્લાન પસંદગી કરવામાં આવી છે. હાલ સર્વે ડીપીઆરની કામગીરી પ્રગતિમાં છે. જે પૂર્ણ થયે અમૃત સરોવર સ્કીમ હેઠળ ફંડ ફાળવ્યાથી ટેંડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે.