સૌરાષ્ટ્રના કદાવર પાટીદરા નેતા તેમજ પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. વિઠ્ઠલ રાદડિયા ખેડૂતોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહ્યા હતા. સૌરાષ્ટ્રના મોટા નેતાની સાથે સાથે એક સામાજિક કાર્યકર તરીકે તેમણે ખેડૂતોની ખૂબ સેવા કરી છે. એટલું જ નહીં તેમણે પાટીદાર સમાજમાં અનેક સમાજસેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડ્યા છે. વિઠ્ઠલ રાદડિયાએ પોતાના પુત્રના નિધન બાદ પોતાની પુત્રવધૂને દીકરીને જેમ સાસરે વળાવી હતી. એટલું જ નહીં તેને કરિયાવર તરીકે રૂ. 100 કરોડની સંપત્તિ પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાના પુત્ર કલ્પેશ ઉર્ફે કલ્પેશનું આકસ્મિક અવસાન થયું હતું. જે બાદમાં રાદડિયા પરિવારને સતત તેમની પુત્રવધૂની ચિંતા કોરી ખાતી હતી. આ જ કારણે પરિવારે પુત્રવધૂના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં પરિવારે પુત્રવધૂ મનીષાની મંજૂરી લીધી હતી અને તેના લગ્ન સુરત ખાતે રહેતા હાર્દિક અમૃતભાઇ ચોવટિયા સાથે કરાવી આપ્યા હતા. જામકંડોરણા ખાતે ખૂબ જ સાદગી પૂર્વક ઘડિયાલગ્ન લેવામાં આવ્યા હતા.
લગ્ન દરમિયાન વિઠ્ઠલ રાદડિયા અને તેમના પત્ની ચેતનાબેને પુત્રવધૂ મનીષાનું કન્યાદાન કર્યું હતું. લગ્ન સમયે કન્યાદાન સ્વરૂપમાં રાદડિયા પરિવારે પુત્રવધૂને રૂ. 100 કરોડની સંપત્તિ આપી હતી. પુત્રવધૂ મનીષાબેનને કરિયાવરમાં રાજકોટનો બંગલો, સુરતના વરાછારોડ પરનો બંગલો, જામકંડોરણાના વિમલનગર અને વૈભવ નગરમાં આવેલી ખેતીની જમીન ઉપરાંત કાર પણ આપવામાં આવી હતી.
2014માં થયું હતું પુત્રનું મોત
વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર કલ્પેશનું જાન્યુઆરી 2014માં આકસ્મિક મૃત્યુ થયું હતું. કલ્પેશના મોત બાદ પત્ની મનિષા અને પુત્ર અને પુત્રી નોધારા બન્યા હતા. જે બાદમાં પરિવારે હાર્દિક ચોવટિયા નામના યુવક સાથે કલ્પેશની પુત્રવધૂના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હાર્દિક સુરત ખાતે રહેતા વિઠ્ઠલભાઇના પુત્ર લલિતભાઇનો કર્મચારી છે.