વિભુ પટેલ/પ્રાતિશ શિલુ, પોરબંદર : વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યા બાદ દરિયાકિનારા ધરાવતાં જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. પોરબંદર જિલ્લામાં પણ હાઈએલર્ટ કરવામાં આવ્યું છે. આ દરમિયાન બુધવાર સવારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનું નોંધાયું છે. પોરબંદર વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
પોરબંદર ચોપાટી પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી ન હતી. વહીવટી તંત્રે 5 દિવસ માટે ચોપાટી પર જવાનો પ્રતિબંધ મૂક્યો હોવા છતાંય લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રમાં હરકતમાં આવ્યું હતું અને ચોપાટીથી લોકોને બહાર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત, પોરબંદરમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોરબંદરની હોટલોમાં રોકાયેલા તમામ ટુરિસ્ટને બુધવાર સવારે હોટલ છોડવા અપીલ કરવામાં આવી છે. હોટલ માલિકોને પણ નવા આવનારા ટુરિસ્ટોને રૂમ નહીં ફાળવવા કરી અપીલ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ આ પગલાં લીધા છે.
પોરબંદરમાં વહીવટી તંત્રે શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. ખડપીઠ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સમજાવાઈ રહ્યા છે. બુધવાર સવારથી નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ નીચાણવાળા વિસ્તારમાં ફરી રહ્યા છે. નજીકની શાળા સહિતની તંત્ર દ્વારા ઊભી કરાયેલ સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરવામાં આવી છે.