શિલુ પ્રતિશ, પોરબંદર : પોરબંદરથી હરિદ્વારની 1500થી વધારે કિલોમીટરની જાત્રા માટે નીકળેલા છ લોકોને રાજસ્થાનના પાલી જિલ્લા ખાતે એક કાળમુખા ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિનિયર સિટિઝનના એક ગ્રુપ તરફથી આ જાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકો ચોથી માર્ચના રોજ પોરબંદરથી નીકળ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ મથક વિસ્તારમાં બુધવારે સાંજે એક બેકાકૂ ટ્રકે રસ્તાની બાજુમાં ચાલી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે.
તમામ લોકો પોરબંદરથી ચાલીને હરિદ્વાર જઈ રહ્યા હોવાની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 62 પર નેતરા ગામ નજીક એક ટ્રકે રસ્તાની બાજુમાં ચાલીને જતાં અમુક લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં નજીકના ટોલ ગેટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ટ્રક ચાલક દારૂના નશા ટ્રક હંકારી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પોરબંદરથી એક 15 લોકોનું જૂથ જાત્રા કરવા માટે નીકળ્યું હતું. આ અકસ્માતમાં પોરબંદર નિવાસી લીરીબેન (60 વર્ષ) જસ્સીબેન (55), ધાનીબેન (70) તેમજ રાજાભાઈ(63)નું મોત થયું છે. આ ઘટનામાં રાશીભાઈ (55) અને કેસાભાઈ (45) ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકોને સારવાર માટે સુમેરપુરની મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.