તાંત્રિકો ધન અપાવવાના કે પૈસા એકના ડબલ કરાવવાના ચક્કરમાં સામાન્ય માણસોને લૂંટતા હોવાના સમાચાર અનેક વાર સામે આવ્યાં છે. તો પણ લોકો પોતાના મહેનતની કમાણી આપતા ખચકાતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો પોરબંદરમાં પણ સામે આવ્યો છે. તાંત્રિકે ગુપ્તધનની લાલચ આપીને પાંચ વ્યક્તિઓ પાસેથી 1 કરોડની છેતરપિંડી કરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરમાં છાંયા વિસ્તારમાં દિલીપ ઓડેદરા અને રણજીત થાનકી મિત્રો હતાં. તેમના સંબંધ જામનગરના રામેશ્વર પાર્કમાં રહેતો એક તાંત્રિક સાથે વધવા લાગ્યા. ધીરે ધીરે દિલીપના સંપર્કમાં પણ તે આવ્યા હતા. આ તાંત્રિક બીમાર પડ્યા ત્યારે પોરબંદર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જેથી આ બંન્ને મિત્રો તેમની સાથેનો સંપર્ક વધી ગયો હતો.
આ વધતી મુલાકાતને કારણે તાંત્રિકે દિલીપને એવું કહ્યું કે તમે ભાગ્યશાળી માણસ છો અને તમારા લલાટ ઉપરથી તમને ગુપ્તધન મળશે. ત્યારબાદ આ તાંત્રિક અવારનવાર પોરબંદરમાં દવા લેવા આવતા હતા ત્યારે રણજીતને મળવા જતા હતા અને દિલીપને બોલાવી વારંવાર ગુપ્તધન મળશે તેવી ખાતરી આપતા હતા. 2017ની દિવાળી પછી દિલીપને તાંત્રિકે હનુમાનગઢ ગામે બોલાવી અને તાંત્રિક વિધી કરી હતી અને તેના ઘરમાં જુનવાણી ઘડામાંથી સોનાના જુદા-જુદા પ્રકારના દાગીના બતાવ્યા હતા.
તેમાંથી તાંબાનો ઘડો મળ્યો હતો જે ઘણો જ જૂનો લાગી રહ્યો હતો. આ ઉપરાંત પણ જો તમને વધારે ધન મળી શકે તેવું તેમણે કહેલું. તાંત્રિકે કહ્યું કે જો તમારે આ ઘડા જોઇતા હોય તો વધારે વિધિ કરાવવી પડશે. જો આ વિધિ નહીં કરાવો તો તમારા પરિવાર પર મોટું જોખમ પણ આવી શકે છે. જે પછી તેણે 14 લાખ રૂપિયા આપીને તે વિધિ કરાવી હતી. જે પછી આ તાંત્રિકે સોનાની ઈંટ જેવી તથા સોનાના સિક્કા લાગતા સિક્કાઓ આપ્યા હતા. આ બધાની ખરાઇ કરાવતા આ બધું સોનું ખોટું છે તેવી જાણ થઇ હતી.
આ ઠગ તાંત્રિકે પોરબંદરના અન્ય લોકો સાથે પણ આવું જ કર્યાની પણ જાણ થઇ છે. જે પછી આ તાંત્રિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.