પોરબંદર જિલ્લામાં કાઠીયાવાડી અશ્વોની હણહણાટી. આજના આધુનિક યુગમાં ઇમ્પોર્ટેડ કારના જમાનામાં પણ અશ્વોની બોલબાલા જોવા મળી રહી છે. મારવાડી અને કાઠીયાવાડી ઉત્તમ ઓલાદના અશ્વોની કિંમત લાખો રૂપિયામાં છે. ત્યારે આ વિસ્તારના લોકો વર્ષોથી કાઠીયાવાડી અશ્વોની પસંદગી કરે છે.
પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આ વિસ્તારમાં કાઠીયાવાડી અશ્વોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં કાઠીયાવાડી અશ્વોની ઉત્તમ ઓલાદો જોવા મળશે. અહીંયા અશ્વ પાલકોની સંખ્યા પણ ખુબ જ મોટી છે. બરડા અને ઘેડ પંથકમાં ખેડૂતો પશુપાલનની સાથે સાથે અશ્વો પણ રાખે છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ કાઠીયાવાડી અશ્વો જોવા મળે છે અને તેમનાં જતન માટે પણ અશ્વપાલકો એટલા જ પ્રયત્નશીલ છે.
અશ્વ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોરબંદરમાં સમયાંતરે અશ્વ શો અને રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. કાઠીયાવાડી ઉત્તમ ઓલાદોના અશ્વો જોવા મળે છે જેની કિંમત લાખોમાં થવા જાય છે. ગુજરાતમાં યોજાતા અશ્વ શોમાં પોરબંદરનાં કાઠીયાવાડી અશ્વોનો દબદબો જોવા મળી રહ્યો છે.
સરકારી કાઠીયાવાડી અશ્વો સાથે સંવર્ધન કરાવવામાં આવે છે
પોરબંદરમાં અનેક અશ્વ પાલકો પાસે ઉત્તમ ઓલાદના અશ્વો જોવા મળે છે. પોરબંદરના અશ્વપ્રેમી અને કાઠીયાવાડી અશ્વ સોસાયટી સાથે જોડાયેલા રાજુભાઇ જાડેજા એ જણાવ્યું હતું કે કાઠીયાવાડી અશ્વની ઉત્તમ ઓલાદો માટે સરકારી કાઠીયાવાડી અશ્વો સાથે સંવર્ધન કરાવવામાં આવે છે જેને કારણે ઉત્તમ ઓલાદનાં કાઠીયાવાડી અશ્વો મળી શકે.
પોરબંદર જિલ્લાની જમીન પત્થરાળ હોવાથી કાઠીયાવાડી અશ્વોની પસંદગી
પોરબંદર જિલ્લામાં અંદાજે 300 જેટલા કાઠીયાવાડી અશ્વો છે. આ વિસ્તારના લોકો વર્ષોથી કાઠીયાવાડી અશ્વોની પસંદગી કરે છે. તેનું કારણ પોરબંદર જિલ્લાની જમીન પત્થરાળ છે તો કાઠીયાવાડી અશ્વોના ડાબલા ખુબ મજબુત હોય છે આથી મારવાડી અશ્વ કરતા કાઠીયાવાડી અશ્વની પ્રથમ પસંદગી કરવામાં આવે છે.