એક વાર ફરી ભારતીય હવાઈ સુરક્ષા એજન્સીનું UAV ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ વખતે પોરબંદર નજીક નેવીનું UAV ક્રેશ થયું છે. મહત્વની વાત એ છે કે, એક જ મહિનામાં આ બીજુ UAV ક્રેશ થયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, પોરબંદર નજીક સુરક્ષા એજન્સીનું માનવ રહિત પ્લેન UAV ઉડી રહ્યું હતું, તે અચાનક કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા રાણાવાવ નજીક આવેલા ખાખરાવાળા નેસ નજીક ડુંગરા વિસ્તારમાં ક્રેશ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર અધિકારીઓ જણાવે છે કે, ટેક્નિકલ ખામી સર્જાતા UAV ક્રેશ થયાની દુર્ઘટના સર્જાઈ છે.
મહત્વની વાત એ છે કે, એક જ મહિનામાં UAV ક્રેશ થયાની આ બીજી ઘટના બની છે, આ પહેલા પણ હવાઈ સુરક્ષા એજન્સીનું UAV પોરબંદના જીઆઈડીસી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ રીતે એક જ મહિનામાં કરોડોના ખર્ચે બનતું UAV ક્રેશ થતા દેશની હવાઈ સુરક્ષા એજન્સી નેવીને કરોડોનું નુકશાન થવા પામ્યું છે. ત્યારે માનવ રહિત આ UAVને ઓપરેટ કરનાર ટીમની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વારંવાર આ રીતે UAV ક્રેશ થવા પાછળ કોણ જવાબદાર છે? શું UAVને ઓપરેટ કરતી ટીમ કે, પછી UAVની બનાવટમાં નબળી કામગીરી જવાબદાર છે. આ રીતે કરોડોના કર્ચે બનતા UAV ક્રેશ થતાં સરકારની તીજોરી પર ભાર પડે છે.
UAV ક્રેશ થયાની જાણ સુરક્ષા એજન્સિને થતાં, અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા, જોકે UAV માનવ રહિત વિસ્તારમાં જ ક્રેશ થતા કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ નેવીને કરોડોનું નુકશાન જરૂર થયું છે. આ મુદ્દે અધિકારીઓ કઈ પ્રકારની ખામીના કારણે UAV ક્રેશ થયું તે મુદ્દે તપાસ કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.