પ્રતીશ શીલુ, પોરબંદર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ ભારતના પ્રાચિન યોગ પરંપરા તરફ વળી રહ્યુ છે અને 21 જૂનને આતંરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવી રહ્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લાવાસીઓ પણ વધુને વધુ યોગ તરફ વળે તેવા ધ્યેય સાથે પોરબંદર જિલ્લા પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેશ કેર દ્વારા યોગ દિવસ અંતર્ગત 10 દિવસીય યોગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત યોજાયેલ સૂર્યનમસ્કાર કોમ્પિટીશનમાં પોરબંદરની યુવતીએ 1300 સૂર્યનમસ્કાર કરીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
યોગાથી શારિરીક અને માનસિક જે અદભૂત ફાયદાઓ થાય છે અને તે કેટલો ઉપયોગી છે તેની મહત્વતા સમજી આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યુ છે. દર વર્ષે 21 જૂનને આતંરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પણ 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં 5મો આતંરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબજ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ફિટનેસ ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર પોરબંદર શહેરના એક્સ્ટ્રીમ ફિટનેશ કેર અને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોગ દિવસ અંતર્ગત જિલ્લાના તમામ વર્ગના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે ફિટનેશ પ્રત્યે સજાગતા આવે તે માટે 10 દિવસીય યોગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યુ છે.
જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં સૂર્યનમસ્કાર કોમ્પિટીશન અને યોગાસન કોમ્પિટીશનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18થી લઈ 40 વર્ષ સુધીની બહેનો માટે આયોજીત સૂર્યનમસ્કાર કોમ્પિટીશમાં ખુબજ ઉત્સાહ સાથે તમામ વયના બહેનોએ આ સૂર્યનમસ્કાર કોમ્પિટીશમાં ભાગ લીધો હતો. જેમાં પોરબંદરની ધોરણ 10માં અભ્યાસ કરતી પ્રિયંકા કોટિયાએ 4 કલાક 20 મિનીટમાં 1300 સૂર્યનમસ્કાર કરી ટોપ ઓફ ધી ટોપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્ત્રી શક્તિનો પરિચય આપ્યો હતો.
પ્રિયંકા કોટિયાએ જે રીતે માત્ર 4 કલાક 20 મિનીટમાં 1300 સૂર્યનમસ્કાર કરીને જે સ્ટેમીના બતાવ્યો છે. તેની આ સિદ્ધીને પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના ટ્રેઈનર કેતન કોટિયા ખુબજ બિરદાવી હતી, અને જણાવ્યુ હતુ કે, આખા ગુજરાત ખાતે અથવા તો ઈન્ડિયામાં રીધમ સાથે એક બીટ એક પોસ્ચર સાથેનુ આ પ્રથમ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રિયંકાએ જે રીતે નોન સ્ટોપ 1300 સૂર્યનમસ્કાર કર્યા છે તે પોરબંદર અને ગુજરાત માટે ગર્વની બાબત છે.
પોરબંદર જિલ્લાવાસીઓ પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને તે માટે પોરબંદર જિલ્લા પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેશ કેર દ્વારા કરવામાં આવેલ આયોજનને શહેરીજનોએ પણ બિરદાવ્યુ હતુ, અને જે રીતે પ્રિયંકાએ માત્ર 4 કલાક 20 મિનીટમાં નોન સ્ટોપ 1300 સૂર્યનમસ્કાર કરીને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, આ સિદ્ધી બદલ લોકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.