પાક નિષ્ફળ જવાથી ખેડૂતોનો આત્મહત્યાનો દોર ચાલુ છે. આજે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના કુતિયાણાના માંડવા ગામના એક ખેડૂતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જવાના કારણે લખમણભાઈ આહિર નામના ખેડૂતે વાડીએ જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે.
પરિવારનો આક્ષેપ છે કે, 20 વિઘા જમીનમાં વ્યાજે રૂપિયા લઈ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કોઈ કારણોસર પાક નિષ્ફળ જતા દેવામાં ડુબી જવાના આઘાતથી આપઘાત કરી લીધો છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ખેડૂતના મૃતદેહને નીચે ઉતારી તેને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બે દિવસમાં ખેડૂત દ્વારા આપઘાતની ત્રણ ઘટના સામે આવી છે. આજે જામનગરમાં પણ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામનગરના વાગડિયા ગામના ૪૨ વર્ષના યુવાન ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાન ના પરિવારજને એવો આક્ષેપ કર્યો હતો કે, તેમનો કપાસનો પાક નિષ્ફળ જવાથી ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો, જોકે તેની જાણ પરિવારને થતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અને જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
આજ રીતે બુધવારે પણ સુરેન્દ્રનગરના એક ખેડૂત દ્વારા આપઘાત કરી જીવન ટુંકાવી લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં મૂળી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ખેડૂતે ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ તુરંત જ મૂળી ગામે પહોંચી ગયો હતો અને ખેડૂતને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન ડોકટરે ખેડૂતનો મૃત જાહેર કર્યા હતા.