Home /News /porbandar /બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસ : વન વિભાગના ગાર્ડે જ પ્રેગનેન્ટ મહિલા ગાર્ડ સહિત ત્રણને ઢાળી દીધા હતા

બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસ : વન વિભાગના ગાર્ડે જ પ્રેગનેન્ટ મહિલા ગાર્ડ સહિત ત્રણને ઢાળી દીધા હતા

મૃતક પતિ-પત્ની અને આરોપી.

આરોપી લક્ષમણ દેવશીભાઈ ઓડેદરા મૃતક મહિલા ગાર્ડ સાથે પ્રેમ સંબંધ આગળ વધારવા માંગતો હતો, આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડા થતા હતા.

પોરબંદર : બરડા ડુંગર (Barda Dungar)માં થયેલા ત્રિપલ મર્ડર (Triple Murder)નો કેસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. ત્રણ લોકોની હત્યાના ગુનામાં પોલીસે વન વિભાગ (Forest Department)ના જ એક ગાર્ડની ધરપકડ કરી છે. ગાર્ડે આયોજન પૂર્વક ત્રણેય લોકોને રજાના દિવસે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવાના બહાને જંગલમાં લઈ જઇને એક પછી એકને પતાવી દીધા હતા. આ મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વન વિભાગનો ગાર્ડ એલ.ડી ઓડેદરા મૃતક હેતલ સોલંકી સાથે સંબંધ વધારવા માંગતો હતો. જોકે, આ વાતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

પ્રેમ પ્રકરણમાં હત્યા

એલસીબીના જણાવ્યા પ્રમાણે આરોપી લક્ષમણ દેવશીભાઈ ઓડેદરા અને હેતલબેન 2007ના વર્ષમાં સાથે નોકરી કરતા હતા. આ દરમિયાન બંને પરિચયમાં આવ્યા હતા. જે બાદમાં લક્ષણમણ હેતલબેન સાથે મિત્રતા આગળ વધારવા માંગતો હતો. આ અંગેની જાણ લક્ષમણની પત્નીને થઈ ગઈ હતી. આ કારણે આરોપી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં. એટલું જ નહીં આરોપીની પત્ની અને મૃતક હેતલ સોલંકી વચ્ચે પણ ઝઘડા થયા હતા. 20 દિવસ પહેલા પણ મૃતક હેતલ અને આરોપીની પત્ની મંજુ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હેતલે મંજુને ધમકી આપી હતી. મંજુએ આ અંગેની જાણ તેના પતિને કરતા લખમણે આ વાતનો ખાર રાખીને હેતલ અને તેના પતિ કિર્તીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે આરોપીએ બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની વાર્તા ઘડીને ત્રણેય લોકોને ત્યાં લઈ ગયો હતો.



કેવી રીતે હત્યા કરી?

દારૂની ભઠ્ઠીની વાત કરીને આરોપી ત્રણેય મૃતકોને બરડા ડુંગરમાં લઈ ગયો હતો. અહીં હેતલ ગાડીમાં જ રોકાઈ હતી. હેતલનો પતિ કિરીટ સોલંકી ઉર્ફ કિર્તી અને વન વિભાગનો રોજમદાર નાગાભાઈ દારૂની ભઠ્ઠી શોધવા માટે ગયા હતા. આ દરમિયાન તકનો લાભ લઈને આરોપી લક્ષમણે સૌ પહેલા હેતલના પતિ કિર્તીના માથામાં ગેડીયો ફટકારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદમાં નાગભાઈની આ જ રીતે હત્યા કરી હતી. બે લોકોની હત્યા કર્યા બાદ આરોપી હેતલ કારમાં રોકાઈ હતી તે તરફ ગયો હતો. આ દરમિયાન હેતલ ચાલીને સામે આવી રહી હતી. જે બાદમાં આરોપીએ હેતલના માથામાં પણ ગેડીયો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

હેતલબેનના પિતાએ આપી હતી ફરિયાદ

માંડલ ખાતે રહેતી વશરામભાઈ પાલાભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી હેતલ ફોરેસ્ટ ગાર્ડ તરીકે ગોઢાણા બીટમાં ફરજ બજાવતી હતી. દીકરીના લગ્ન સાત વર્ષ પહેલા સુરેન્દ્રનગરના સડલા ગામ ખાતે રહેતા શિક્ષક કિરીટ સોલંકી સાથે થયા હતા. હેતલનો પતિ પોરબંદરના રાતડી ગામ ખાતે ફરજ બજાવતા હતા. ફરિયાદીના કહેવા પ્રમાણે તેમની દીકરીને સાતમો મહિના ચાલી રહ્યો હતો. થોડા જ દિવસમાં તેનો સીમંત પ્રસંગ પણ હતો.



ગાર્ડ પર તરફ શંકાની સોય 

વશરામભાઈએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, 15મી ઓગસ્ટના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેમની વાતચીત દીકરી અને જમાઈ સાથે થઈ હતી. વાતચીત દીકરીએ કહ્યું હતું કે તેણી તેના પતિ, વન વિભાગના એક રોજમદાર નાગભાઈ આગઠ અને એક ગાર્ડ એલ.ડી. ઓડેદરા સાથે બરડામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરવા ગયા છે. પિતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, દીકરીએ એવું કહ્યું હતું કે વન વિભાગના ગાર્ડ એલ.ડી. ઓડેદરાને બરડામાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી મળી છે. આ માટે તેઓ રજના દિવસે દારૂની ભઠ્ઠી પર દરોડો કરવા ગયા હતા.



સાંજે ફોન પર સંપર્ક ન થતા વન વિભાગને જાણ કરી :

દીકરી અને જમાઇ દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયાની જાણ બાદ વશરામભાઈએ સાંજે તેમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તમામ લોકોને સંપર્ક ન થતા તેઓએ વન વિભાગને જાણ કરી હતી. બીજા દિવસે વન વિભાગને ગોઢાણા બીટ વિસ્તારમાંથી મહિલા ગાર્ડ જે ગાડીમાં ગઈ હતી તે ગાડી મળી આવી હતી. આ ઉપરાંત નજીકમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ કરતા આ મૃતદેહ હેતલ, તેમના પતિ અને વન વિભાગના મજૂર નાગભાઈનો હતો.



આખો ઘટનાક્રમ :

15મી ઓગસ્ટના રોજ બરડામાં ડુંગરમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની માહિતી બાદ પેટ્રોલિંગમાં ગયેલા મહિલા ગાર્ડ તેમના પતિ અને વન વિભાગના એક રોજમદાર ગુમ થઈ ગયા હતા. આ મામલે 16મી તારીખે મહિલા ગાર્ડના સસરાએ બગવદર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. જે બાદમાં 17મી તારીખે ગુમ થયેલા ત્રણેય લોકોનો મૃતદેહ મળી આવ્યા હતા. સુરેન્દ્રનગરના સડલા ગામના યુવક કિરીટ રાઠોડના પિતાના જણાવ્યા પ્રમાણે તેમને બે દીકરામાંથી મોટો દીકરો ગાંધીધામમાં નોકરી કરે છે જ્યારે નાનો દીકરો કિરીટ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેમની પુત્રવધૂ ત્રણ વર્ષ પહેલા વન વિભાગમાં નોકરી પર લાગી હતી. 2013ના વર્ષમાં બંનેના લગ્ન થયા હતા. દીકરો અને વહુ 20 દિવસ પછી સીમંત માટે સડલા ગામ આવવાના હતા.
First published:

Tags: Forest Department, Porbandar