અહો આશ્ચર્યમ! માત્ર ૩૦ સેકન્ડ અને ૮૭ ઠરાવ પાસ, ચોંકી ન જશો, આ સત્ય છે. ફોર જીના યુગમાં પોરબંદર નગરપાલિકાએ અચાનક જ ફાઈવ જી જેવી ઝડપ પકડી. જો કે, પોરબંદર નગરપાલિકાના પ્રમુખને તો આ અંગે કંઈ ખબર જ નથી. મિડીયા સાથેની વાતચીતમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ઢગલાનો ઢ બનીને એક જ રટણ કરતા રહ્યા કે, તેમને આ અંગે કંઈ ખબર જ નથી.
બીજી તરફ, પોરબંદર નગરપાલિકાના વિપક્ષના નેતાનુ કહેવુ છે કે, પોરબંદર નગરપાલિકાના જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. મીટીંગની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. આ પછી, ઠરાવો પર કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર માત્ર ૩૦ સેકન્ડમાં ૮૭ ઠરાવ પાસ કરી દેવામાં આવ્યા અને સભાને પૂર્ણ કરી દેવામાં આવી.
વિપક્ષના નેતાનુ કહેવુ છે કે, આ તો લોકશાહીનુ સરેઆમ અપમાન જ કરાયુ છે. વિપક્ષે માગ કરી હતી કે, વિવિધ ઠરાવ પર ચર્ચા કરવામાં આવે, પરંતુ તેને ધ્યાન પર લેવામાં આવી જ નથી. શાસક પક્ષનુ આ વલણ સરમુખ્ત્યાર સમાન છે.