પાકિસ્તાન મરીનનો આતંક યથાવત રહ્યો છે. આજે માંગરોળની એક બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. માછીમારો જ્યારે દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક પાકિસ્તાન મરીન ત્રાટક્યું હતું અને બોટ સાથે છ માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે ભારતીય માછીમારો ઇન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીક માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરવામાં આવેલી બોટનું નામ 'જય સોમનાથ' છે, તેમજ તે માંગરોળની હોવાનું માલુમ પડ્યું છે.
નોંધનીય છે કે પાકિસ્તાન મરીન અવારનવાર ભારતીય જળસીમામાં ઘૂસીને આઈએમબીએલ નજીક માછીમારી કરતા માછીમારોનું અપહરણ કરી જાય છે. દરીયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકાનું એકમાત્ર સાધન માછીમારી હોવાથી દર વર્ષે દરિયો ખેડતા અનેક માછીમારો પાકિસ્તાન મરીનના આતંકનો ભોગ બનતા રહે છે.
તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં જ પાકિસ્તાન મરીન દ્વારા પોરબંદર જળસીમામાંથી પાંચ બોટ સહિત 30 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરવામાં આવેલા માછીમારો પોરબંદરના હોવાનું માલુમ પડ્યું હતું. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા અવારનવાર માછીમારો અને બોટનું અપહરણ કરવામાં આવતું હોવાથી માછીમારોમાં રોષ ફેલાયો છે. નોંધનીય છે કે પાકિસ્તાન મરીન દ્વારા પકડવામાં આવેલા ગુજરાતના અનેક માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. આ લોકોને છોડાવવા માટે સરકાર સતત પ્રયાસો કરતી રહે છે.