પોરબંદરથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે નવો ખુલાસો થયો છે. એટીએસને વધુ પાંચ કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. પાકિસ્તાનથી આ ડ્રગ્સનો જથ્થો કચ્છના દરિયા કિનારાના મારફતે લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા પોરબંદર જ એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ગુજરાતમાં 500 કરોડ રુપિયાના ડ્રગ્સને દરિયાઇ માર્ગથી ઘૂસાડવાના કૌભાંડનો પદાર્ફાશ કર્યો હતો, આ મામલે એટીએસે ધરપકડ કરેલા વ્યક્તિની પૂછતાછ હાથ ધરી હતી, જેણે કબુલ્યું હતું કે, વધુ પાંચ કિલોનો માલ મારા ઘરે પડ્યો છે. જેને લઈ એટીએસે વધુ પાંચ કિલો ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની કિંમત 24 કરોડ આંકવામાં આવી રહી છે.
એટીએસે ઝડપાયેલા આરોપી નિયત ખાનની પૂછપરછ કરતા ખુલાસો કરવામાં આવ્યો છે કે, ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી લાવવામાં આ્યો હતો, આ ડ્રગ્સ મેથામ્ફેટામાઈન હતું, જેને યુવાનો ઈન્જેક્શન મારફતે લઈ નશો કરતા હોય છે. તેમે કહ્યું કે, બાકીનો જથ્થો સાઉદી અરેબિયા મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં 500 કરોડ રુપિયાના ડ્રગ્સ દરિયાઇ માર્ગથી ઘૂસાડવાના કૌભાંડનો પદાર્ફાશ થયો હતો. ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા હતા. આ કેસનાં મુખ્ય બે આરોપીઓ કે જે ભારતમાં ડ્રગ લેતા અને વેચતા હતાં તેમની પણ આજે ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંન્ને આરોપીઓ મુંદ્રા અને દિલ્હીથી ઝડપાયા હતા, જેમની પૂછપરછ કરવામાં આવતા વધુ ખુલાસા થયા છે.
ગુજરાત એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમી મળ્યાના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું.
દરિયાઇ માર્ગ દ્વારા પોરબંદરથી આશરે 100 કિલો કે જેની કિંમત 500 કરોડ રુપિયાના ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવાનું કૌભાંડ હતું. જેનો એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ડ્રગ્સ માફિયાની પુછપરછ શરૂ કરી હતી. પ્રાથમીક માહિતીના આધારે આ કૌભાંડમાં પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ મોકલાયું હતું. જેમાં પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક છે.
તમને જણાવીએ કે, ડ્રગ્સ માફિયાઓ રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. પરંતુ અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન આવે તે માટે માફિયાઓએ પોતાની બોટને ઉડાવી દીધી હતી.