ન્યૂઝ18 ગુજરાતી : વાયુ વાવાઝોડાનાં પગલે દરિયાકાંઠાનાં વિસ્તારો એટલે ગીર, જૂનાગઢ, દીવ, અમરેલી, રાજકોટ, પોરબંદરમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
ભારે પવન સાથે વરસાદ
આ સાથે અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જાફરાબાદ સહિતમાં દરિયાઇ વિસ્તારોમાં મોડી રાતથી પવન અને વરસાદ છે. આનાં દરિયાકાંઠામાં સમુદ્રનાં મોજા ઉછળી રહ્યાં છે. આ ઉપરાંત અમરેલી, બગસરા, બાબરા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે કંડલા પોર્ટમાં વહેલી સવારથી પવનની ગતી વધી રહી છે.
હવામાન વિભાગની આગાહી
દરિયાકાંઠે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 13મી તારીખે રાજકોટમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરમાં થોડા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીરસોમનાથ, દીવ, અમરેલી, જૂનાગઢનાં પણ અનેક વિસ્તારોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.