Home /News /porbandar /'સુદામા નગરી' પોરબંદર પર કોણ સંભાળશે સત્તાનું સુકાન? જાણો કેવી છે રાજકીય રસાકસી
'સુદામા નગરી' પોરબંદર પર કોણ સંભાળશે સત્તાનું સુકાન? જાણો કેવી છે રાજકીય રસાકસી
Porbandar Assembly seat: પોરબંદર બેઠક પર મોટા ભાગે પાટીદારો અને ખારવા સમાજના મતદારોનું આગવું પ્રતિનિધિત્વ છે. તેથી આ બંને સમાજને સાથે રાખી અહીં ચૂંટણી જંગ ખેલવો દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે થશે ગળાકાપ હરિફાઈ
Porbandar Assembly seat: પોરબંદર બેઠક પર મોટા ભાગે પાટીદારો અને ખારવા સમાજના મતદારોનું આગવું પ્રતિનિધિત્વ છે. તેથી આ બંને સમાજને સાથે રાખી અહીં ચૂંટણી જંગ ખેલવો દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે થશે ગળાકાપ હરિફાઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022) પોરબંદર (Porbandar) શહેર મહાત્મા ગાંધીજીની (Mahatma Gandhiji) તથા સુદામાની (Sudama) જન્મ ભૂમિ તરીકે વિશ્વવિખ્યાત છે. ભારતના પશ્ચિમ દરિયાકાંઠે વસેલું શહેર અંગ્રેજોના શાસનમાં રજવાડું હતું. રાજ્યકર્તાઓ તરીકે જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા. બાદમાં ક્રમશઃ વિકસીત આ શહેર હાલ આંતરરાષ્ટ્રી ય પ્રવાસન સ્થળ છે. દેશ - વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ 3 તાલુકાનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઇએ કે, સ્થાપના સમયે કુતિયાણાની બેઠક જૂનાગઢ જિલ્લા હેઠળ આવતી હતી, જે પોરબંદરના ગઠન બાદ નવા જિલ્લાને ફાળે ગઈ. 2012થી કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા ધારાસભ્ય છે. ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે અમે તમને સૌરાષ્ટ્રની શાહી બેઠક પોરબંદર વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
પોરબંદર લોકસભા (Porbandar Assembly seat) પર હતો ‘છોટે સરદાર’નો દબદબો
પોરબંદર બેઠક ભાજપ માટે સલામત ગણાતી બેઠક છે, પણ અહીં અગાઉ કૉંગ્રેસના અને હાલ ભાજપમાં જોડાયેલા સ્વ. વિઠ્ઠલ રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જે ચાર બેઠકો મેળવી એમાંથી એક વિઠ્ઠલભાઈની બેઠક હતી. એ દર્શાવે છે કે વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પર મહત્વનું પરિબળ છે. હાલ જયેશ રાદડિયાએ આ બેઠક પર પોતાની વોટબેંક પર મજબૂત પકડ જાળવી રાખી છે.
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ મેદાનમાં ઉતારેલા ઉમેદવાર સ્થાનિક પ્રભુત્વ ધરાવતી મેર કોમ્યુનિટીના બાહુબલી નેતાઓ હતા. અનેક વખત એકબીજાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતરેલા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને રાજ્યના પાણી સંશાધન અને ખેતીવાડી પ્રધાન બાબુભાઈ બોખિરિયા ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં આમને સામને આવ્યા હતા. જેમાં ભાજપના બાબુભાઈ બોખિરિયાની ભવ્ય જીત થઇ હતી.
પોરબંદરે આ બંને બાહુબલીઓ વચ્ચે 1998થી ત્રણ ચૂંટણી જંગ જોયા છે. આ ત્રણ ચૂંટણી પરીણામો 2:1 રહ્યા છે. બાબુ બોખિરિયા 1998 અને 2012માં જીત્યા હતા. જ્યારે મોઢવાડીયા 2002માં તેમની સામે જીત્યા હતા. તેમજ 2007માં ભાજપ તરફથી મહિલા ઉમેદવાર શાંતાબેન ઓડેદરાને ઉતારવામાં આવ્યા હતા મોઢવાડીયા આ વખતે પણ જીત્યા હતા.
પોરબંદર બેઠકના બંને મોટા માથાઓ વિશે જાણો
મિકેનિકલ એન્જિનિયર મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના કદાવર અને મહત્વના નેતા છે. 2004-2007 સુધી તેમણે વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ ગ્રહણ કર્યું હતું, તો 2012ના ચૂંટણી પરીણામો સુધી તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે પણ હતા. જેમાં કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. તો B.Sc કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ ભાજપના ઉમેદવાર બાબુ બોખિરિયા કેશુભાઈ પટેલની સરકારથી લઈને મોદી સરકાર સુધી મંત્રીપદે રહ્યા છે.
વર્ષ 2022ની ચૂંટણીમાં બેઠકનું મહત્વ
પોરબંદર બેઠક પર મોટા ભાગે પાટીદારો અને ખારવા સમાજના મતદારોનું આગવું પ્રતિનિધિત્વ છે. તેથી આ બંને સમાજને સાથે રાખી અહીં ચૂંટણી જંગ ખેલવો દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આ બેઠક પર ખરાખરીના જંગની ખબરો વચ્ચે AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીના પોરબંદરમાં નિવેદનથી રાજકીય ઉથલપાથલ મચી છે. ઓવૈસીએ 2022ની વિધાનસભાની ચૂંટણી મુદ્દે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે.” તેથી અહીંનો ચૂંટણી જંગ ઘણો રસપ્રદ બની રહેશે તેના કોઇ શંકાને સ્થાન નથી.
પોરબંદર બેઠક પર વિવાદો
- 2013માં ગેરકાયદે લાઇમસ્ટોનના ખનન માટે હાલના ભાજપના ધારાસભ્યા બાબુ બોખિરિયા ત્રણ વર્ષની જેલ પણ સંભળાવવામાં આવી હતી. પરંતુ 2014માં તેઓ નિર્દોષ જાહેર થયા હતા.
- વિધાનસભાની ચૂંટણી સમયે 'પાસ'ના નેતા રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા. પરંતુ મોહભંગ થયા પછી તેઓ ભાજપની વિરૃદ્ધમાં બેફામ ટીકાઓ કરતા હતાં. હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડીને લોકસભા અને વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારી કરવાનું નક્કી કરતા જ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, ભાજપને પાડી દેવા એક થઈને લડવું પડશે. ભાજપમાંથી હું વિધિવત્ રીતે છેડો ફાડી રહી છું. માનસિકની સાથે ઓફિશિયલી રાજીનામું આપી દીધું. છે. આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટીંગ કરાવે છે.
- વર્ષ 2022ની ચૂંટણી નજીક આવતા જ ખારવા સમાજે પણ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના અધ્યક્ષો સામે પોરબંદક બેઠક પર ખારવા સમાજના ઉમેદવારોને ટીકીટ આપવાની માંગ કરી છે. પોરબંદરમાં 50થી 60 હજાર જેટલા ખારવા સમાજના મતદારો છે.
- પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી કુતિયાણા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાનું કારણ આપી નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું છે.
માછીમારોને આપવામાં આવતી ઇંધણ સબસિડીમાં કાપ, પાકિસ્તાન દ્વારા છાસવારે માછીમારોની કનડગત અને અપહરણ, બેરોજગારી, શહેરનો વિકાસ અને રસ્તા, ગટર,પાણી જેવી સમસ્યાઓ મુખ્ય છે. મોઢવાડીયા કહે છે કે, ‘પાછલા 22 વર્ષમાં અહીં એક પણ નવી ઇન્ડસ્ટ્રી નથી આવી, જે નાની જીનિંગ મિલ્સ હતી તે પણ હવે બંધ થઈ ગઈ છે. વિકાસ ફક્ત કાગળીયા પર જ છે. અહીંના લોકોની ઉપેક્ષા કરવામાં આવી છે.’ આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં મોંઘવારી અને ઇંધણના વધતા ભાવો જેવા મુદ્દા પણ સામેલ થઇ શકે છે.
પોરબંદર બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ (Elections held on Porbandar seat)