સૌરાષ્ટ્રમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થતા બચી ગઇ છે. પોરબંદર સોમનાથ લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રાનના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં આ ડબ્બામાં બેઠેલા મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજના સુમારે પોરબંદર- સોમનાથ લોકલ ટ્રેન વાંસજાળિયા રેલવે સ્ટેશન પર આવી રહી હતી. જોકે, આ સમયે રસ્તામાં જ અચાનક ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. અચાનક જ બનેલી આ ઘટનાના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં હતા. ટ્રેન ચાલકે ટ્રેનને રોકી હતી જેના પગલે મુસાફરો ફટાફટ ટ્રેનની નીચે ઉતરી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટનાની જાણ થતાં જ પોરબંદરથી રેલવેના અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે રેસ્ક્યુ ટીમ પણ રવાના થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં તમામ મુસાફરો સલામત છે. જોકે, આ ઘટના કેવી રીતે બની તે અંગે પણ અધિકારીઓ તપાસ હાથધરી છે.