બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરતો આ પિતા, આજના સમયમાં દિકરા-દિકરીમાં કોઈ ભેદ નથી અને સરકારના બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર સાર્થક કરવાનો પ્રયાસ પોરબંદરમાં એક પિતાએ કર્યુ છે.3 દિકરીઓ પૈકી બે મોટી દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે અને પિતા ચા-પાનનો ગલ્લો ચલાવે છે. એક દિકરી MBBSમાં અભ્યાસ કરે છે તો નાની દિકરીએ ધોરણ 10માં A-1 ગ્રેડ મેળવ્યો છે.
પોરબંદર: રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર થયું છે તેમાં પોરબંદરની સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતી હેમાંગી રમેશભાઇ જુંગી એ 99.33 ટકાવારી સાથે A-1 ગ્રેડ મેળવી શાળા અને પરિવારનો ગૌરવ વધાર્યું છે. હેમાંગીના પિતા રમેશભાઈ જુંગી બંદર વિસ્તારમાં ચા-પાનનો ગલ્લો ચલાવે છે અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનોમા 3 દીકરી છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતા તેમણે પોતાની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે.
રમેશભાઈ જુંગીની મોટી દીકરી ભૂમિકા હાલ MBBSમાં અભ્યાસ કરે છે તો નાની દિકરી હેમાંગી એ ધો.10માં A-1 ગ્રેડ મેળવ્યો છે અને તેમને એન્જિનિયર બનવું છે સૌથી નાની દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. રમેશભાઈ એ જણાવ્યુ હતું કે, દીકરી તો વ્હાલનો દરીયો કહેવાય અને તેમના ઉચ્ચ અભ્યાસ માટે હું અથાગ પ્રયત્ન કરુ છું અને દીકરી ભણી ગણી અને સારી નોકરી મેળવશે તો તે આત્મનિર્ભર બની રહેશે.
મારી દીકરી મારું અભિમાન છે
પોરબંદરમાં ધોરણ 10માં A-1 ગ્રેડ મેળવનાર હેમાંગીના પિતા રમેશભાઈ જુંગી એ જણાવ્યુ હતું કે, હું તો માત્ર ધો 10 સુધી ભણેલો છું પરંતુ હું મારી ત્રણેય દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરાવું છું એના માટે દિવસ રાત મહેનત કરું છું મારી દીકરી મારું અભિમાન છે.
ત્રણ માસ બોટમાં મજૂરી કામ કરે છે
પોતાની ત્રણેય દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે રમેશભાઇ જુંગી દિવસ-રાત મહેનત કરે છે. 8 માસ સુધી બંદર વિસ્તારમાં ચા-પાનનો વ્યવસાય કરે છે અને ચોમાસાના સમયમાં ત્રણ માસ દુકાન બંધ રાખે છે કારણે બંદરમાં ચોમાસાના સમયમાં માછીમારી બંધ હોય છે એટલે તેમનો વ્યાપાર ચાલતો નથી. આ ત્રણ માસ રમેશભાઇ બોટ સમારકામ માટે મજૂરીકામ કરે છે તેમ છતાં તે તેમની દિકરીઓને અભ્યાસ કરાવે છે.