પોરબંદર જિલ્લામાં આજથી ૬૯મા વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના વનમહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ પોરબંદરની સાંદિપની સંસ્થા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું હતું કે “લોકો વૃક્ષો વાવે તો સારી વાત છે પરંતુ વૃક્ષો કપાવા જોઇએ નહીં. વૃક્ષ કાપવાનું બંધ થઇ જાય તે પણ મોટી સેવા છે.”
આ પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, “સરકાર પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટિ તેમજ રાજ્યની સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વૃક્ષોનો ઉછેર થાય અને તેનું જતન થાય તે માટે વન મહોત્સવની ઉજવણી લોકોને સાથે જોડીને કરી રહી છે. પર્યાવરણની સમતુલા જાળવી રાખવી અને વૃક્ષોનો ઉછેર અને જતન કરવું આ બધી જ જવાબદારી માત્ર રાજ્ય સરકારની નથી, લોકોની પણ છે. પરંતુ તેમાં લોકોનો સહયોગ જરૂરી છે. દેશના જાગૃત નાગરિક તરીકે પણ વૃક્ષોનો ઉછેર થાય તેનું જતન થાય અને તેનું છેદન ન થાય તેનું ધ્યાન રાખવાની દરેક નાગરિકની પણ જવાબદારી છે.”
પોરબંદર કલેકટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી માટે પહેલેથી જ ચિંતિત અને કાર્યરત છે. ક્લાઈમેટ ચેંજ અંગેનો અલગથી વિભાગ પણ શરૂ કર્યો છે. બરડા ડુંગરમાં અગાઉ ખૂબ જ વૃક્ષો હતા અને હવે વનવિભાગે બરડાડુંગર તેમજ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક પણ વૃક્ષ ન કપાય તે માટે તકેદારી રાખવાની જરુર છે.” જિલ્લાના વન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે પોરબંદર જિલ્લામાં 12 લાખ રોપા વિતરણ કરી વાવવાનો લક્ષાંક છે.
આ પ્રસંગે જિલ્લામાં વૃક્ષ વાવેતરમાં શ્રેષ્ઠ કામ કરનાર અગ્રણીઓ તેમજ મંડળીઓના પ્રતિનિધિઓ અને નર્સરીના સંચાલકોને ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.