દબંગ નેતાની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાની લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના માટે કહેવાતું કે, પક્ષ ગૌણ છે. તેઓ જે પણ પક્ષમાં રહ્યા ચૂંટણી જીત્યા છે. જોકે, મોઢાના કેન્સર સામે તેઓ હાર ગયા હતા અને આજે 29 જુલાઈ, 2019ના રોજ તેમનું નિધન થયું છે. તેમના મત વિસ્તાર જામકંડોરણા, ધોરાજીના મતદારો પર તેમની ખૂબ સારી પકડ હતી. આથી જ તેઓ કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડતા લોકો તેને ભારે બહુમતિથી જીતાડતા હતા. સૌરાષ્ટ્રમાં તેઓ છોટે સરદારના હુમલામણા નામથી જાણીતા હતા.
મોદીના વિચારથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા
વિઠ્ઠલભાઈ રાદડિયાએ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં આવ્યા પહેલા તેઓ સામાજિક કાર્યકર તરીકે લોકોની સેવા કરતા હતા. વર્ષ 2013માં ગુજરાતના તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયાએ રાજીનામાં આપ્યું ત્યારે તેઓ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં તેમની જીત થઈ હતી. બાદમાં 2014ના વર્ષમાં સામાન્ય ચૂંટણીમાં તેઓ ફરીથી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. એટલે કે કોંગ્રેસની ટિકિટ બાદ તેઓ આજ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી પણ ચૂંટણી લડ્યા હતાં.
વિઠ્ઠલભાઈ અનેક સંસ્થાઓ ચલાવતા હતા. જેમાં ખાસ જામકંડોરણા ખાતે આવેલી લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઇ સવજીભાઇ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન, માતૃશ્રી જયાબેન સવજીભાઇ ભાલાળા ક્ન્યા છાત્રાલય હિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
દબંગ નેતાની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયા કેન્સર સામે હારી ગયા હતા. તેમણે અમેરિકા ખાતે મોઢાના કેન્સરની સારવાર કરાવી હતી. જોકે, અમેરિકામાં સારવાર બાદ ભારત પરત ફર્યા બાદ ફરીથી તેમની તબિયાત લથડી હતી. જે બાદમાં તેમણે અમદાવાદની હોસ્પિટલ ખાતે લાંબા સમય સુધી સારવાર આપવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હાલતમાં પોતાના પુત્રના ઘરે આરામ કરી રહ્યા હતા.