મયુર માકડીયા, અમદાવાદ: પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર રમેશ ધડૂક ઉપરાંત ભાજપના 3 અન્ય કાર્યકરો એ પણ આજે ફોર્મ ઉઠાવ્યા હતા. રમેશ ધડુક ના પરિવાર ના બે સભ્યો ઉપરાંત બાબુ બોખીરીયા એ પણ ફોર્મ ઉઠાવ્યું હતું. બાબુ બોખીરીયા ફોર્મ ઉઠાવતા અનેક અટકળો વહેતી થઈ હતી. આ બેઠક પર બાબુ બોખીરીયા પોરબંદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ બાબુ બોખીરીયાની ટિકિટ જાહેર થઈ તે પહેલાં જ તેમના પત્નીએ ઉમેદવારી નોંધાવી હતી. પોરબંદર લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં ઉમેદવાર શોધવા માટે ભાજપે મહા મંથન કર્યુ હતું. વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડીયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં રાદડીયા પરિવારમાંથી કોઈને ટિકિટ આપવાની માગ થઈ હતી.
એક તબક્કે પોરબંદર લોકસભા વિસ્તારમાં રાદડીયા પરિવારને ટિકિટ આપવા માટે પોસ્ટર પણ લાગ્યા હતા. ભાજપ દ્વારા મંત્રી જયેશ રાદડીયાને પણ આ બેઠક માટે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં ભાજપે રમેશ ધડૂકને ટિકિટ આપી છે, જોકે, આ બેઠક પરથી બાબુ બોખીરીયાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ઉઠાવ્યું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.