પ્રતિશ શિલુ, પોરબંદર: દારુ ન માત્ર આર્થિક રીતે પરંતુ સામાજીક અને શારિરીક રીતે પણ માણસને ખોખલો કરી નાંખે છે. દારુ પીધા બાદ નશાને લીધે થતા ઝગડાઓના કેવા ગંભીર પરિણામો આવે છે તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે રાણાવાવમાં બનેલ આ ઘટના. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં પણ દારુના દુષણના કારણે એક પરિવારને છિન્નભિન્ન કરી નાખ્યો છે.
રાણાવાવની ઝરડી સીમ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા 45 વર્ષિય લખમણ બાપોદરાની હત્યા થયાની જાણ આજે પોલીસને થઇ હતી. લખમણ બાપોદરાના પિતા દુદાભાઇ બાપોદરાએ રાણાવાવ પોલીસને જણાવતા રાણાવાવ પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે હાજર લખમણ બાપોદરાના મોટા પુત્ર 24 વર્ષિય વિજય બાપોદરાની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરત તે ભાગી પડ્યો હતો. અને તેણે પોલીસને જણાવેલ કે મારા પિતા અવાર નવાર ઘરે દરૂ પીને ઝગડાઓ કરતા હતા.
ગત 25 ઓગસ્ટની રાત્રિએ તેના પિતા દારૂ પીને ઘરે આવ્યા હતા અને તેમનો પોતાના પુત્રો સાથે ઝઘડો થયો હતો. તથા માતાને તેઓ મારવા દોડતા હોય બંન્ને ભાઇઓએ કંટાળીને કુહાડી અને કોદાળીના ઘા મારી પોતાના જ પિતાનું ઢીમ ઢાળી દીધુ હતું. જોકે હત્યારા પુત્રોનું આ નિવેદન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ ગંભીર ગુનાની જાણ થતા જ ઇન્ચાર્જ ગ્રામ્ય DySP સહિત રાણાવાવ પોલીસનો કાફલો તેમજ રાણાવાવ મામલતદાર સહિતનો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ પૂછપરછમાં મૃતકના બંને પુત્રો વિજય અને વિરાજે તેમના પિતાની હત્યા કર્યાની કબુલાત બાદ મૃતદેહ ક્યા છે તે અંગે જણાવતા પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. બંને આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે,અમે બંને ભાઇઓએ મૃતદેહને ઘરની બાજુમાં આવેલ ખાડામાં દાટી દીધો હતો.
મૃતક દ્વારા વારંવાર ઝગડાઓ કરવામાં આવતા હોવાનું કારણ જણાવી બંને પુત્રોએ કુહાડી અને કોદાળીના પ્રહાર કરી મોત નપજાવ્યુ હતું. રાણાવાવ પોલીસે આરોપીના જણાવ્યા વાળી જગ્યા પરથી મૃતકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે તો સાથે ફોરેન્સિક રીપોર્ટ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતકના બંને પુત્રો વિરુદ્ધ આઇપીસી કલમ 302, 201 સહિતની કલમો લગાવી ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી છે.
દારુની લત્તના કારણે અનેક માનવ જીદંગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે દારુના કારણે થતા ઝગડાઓ કેટલા ગંભીર બની જતા હોય છે તેનુ ઉદાહરણ રાણાવાવની આ ઘટના છે.પોલીસે હાલ તો એફએસએલ સહિતના રીપોર્ટના આધારે તપાસ હાથ ધરી રહી છે ત્યારે આ કેસમાં વારંવાર થતા ઝગડા એ જ હત્યાનું સાચું કારણ છે કે બીજુ કોઈ કારણ છે તે તો પોલીસની આગળની કાર્યવાહી બાદ જ જાણી શકાશે.